“જો રહીમ અને રસખાન આ સ્થળની માટીને સાથે લઈને ચાલ્યા હતા, તો આપણે તેમને સદીઓ સુધી યાદ કરીએ છીએ. પરંતુ જેઓ અહીં થાળીમાં ખાય છે અને એજ થાળીમાં છેદ કરે છે, તેઓએ સાવચેત રહેવું જોઈએ, આ કામ કરશો નહીં. જો આપણે ભારતની અંદર રહેવું હોય તો રામ-કૃષ્ણની જય બોલવું પડશે. અમે દેશની અંદર દરેકનું સન્માન કરવા માંગીએ છીએ. અમે કોઈનું અપમાન કરતા નથી.” આ વાત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી Mohan Yadavનું કહેવું છે.

જન્માષ્ટમી નિમિત્તે આયોજિત બેઠકમાં મુખ્યપ્રધાન મોહન યાદવે કહ્યું હતું કે, હવે જો તમે ગેરકાયદેસર કામ કરશો અને કાયદો તોડશો તો મધ્યપ્રદેશ સરકાર તેને સહન કરવાની નથી. જે દિવસે આપણે શપથ લઈએ છીએ, આપણે ત્યારે ભગવાનને આપણા સાક્ષી તરીકે લઈએ છીએ. મેં જુગલકિશોર સાથે મારા સાક્ષી તરીકે શપથ લીધા હતા કે જ્યારે પણ હું આગળ વધીશ ત્યારે ભગવાન રામ અને કૃષ્ણની સ્તુતિ કરતા આગળ વધીશ. ભગવાન રામ અને કૃષ્ણએ હંમેશા આપણને આસુરી શક્તિઓ સામે લડવા માટે પ્રેરણા આપી છે. આ તેમણે આપણને શીખવ્યુ છે. આસુરી ભાવનાને ઓળખવાની જરૂર છે. હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, હું દરેકનું સન્માન કરું છું. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ, જો કોઈ કાયદો તોડશે તો સરકાર તેને સહન નહીં કરે.

રાજ્યના વડાના આ નિવેદનને છતરપુર કેસમાં ચાલી રહેલી રાજનીતિ પર પલટવાર તરીકે જોવામાં આવી રહ્યું છે. છતરપુર કોતવાલીમાં પથ્થરબાજીના મુખ્ય આરોપી હાજી શહજાદ અલીની હવેલી તોડ્યા બાદ વિરોધ પક્ષો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

આ ઘટના બાદ જ મુખ્યમંત્રી મોહન યાદવે પોલીસને કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશ એક ‘શાંતિનું રાજ્ય’ છે, કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લે તે બિલકુલ સહન કરવામાં આવશે નહીં. મધ્યપ્રદેશ પોલીસે આવા બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જાળવવાની અમારી પ્રાથમિકતા છે.

આ પછી કોંગ્રેસે મધ્યપ્રદેશના ડીજીપીને આરોપીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે એક મેમોરેન્ડમ સુપરત કર્યું અને ‘બુલડોઝર ન્યાય’ની ‘વૃત્તિ’ની નિંદા કરી. તે જ સમયે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ હાજી શહજાદ અલીના ઘરને તોડી પાડવાની નિંદા કરી હતી અને તેને રાજ્ય પ્રાયોજિત સાંપ્રદાયિકતા ગણાવી હતી. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાજપ સરકારને ઘેરી છે.

શું થયું છતરપુરમાં?

મહારાષ્ટ્રના હિન્દુ સંત રામગીરી મહારાજે થોડા દિવસો પહેલા નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના શાહ પંચાલે ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે ઈસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આને લઈને છતરપુરમાં મુસ્લિમ સમુદાયના સભ્યોએ 21 ઓગસ્ટે વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે હિંસક બની ગયું હતું.

ધાર્મિક ગુરુઓની આગેવાનીમાં લગભગ 300-400 લોકો મેમોરેન્ડમ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રામગીરી મહારાજ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવા લાગ્યા. પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી બાદ ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલા બાદ સ્થાનિક પ્રશાસને એક મુખ્ય આરોપી શહજાદ અલીનું ઘર એવું કહીને તોડી પાડ્યું હતું કે તે પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.