DR. Karan Barot AAP News: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, શ્રમિક વિકાસ સંગઠન અમદાવાદ શહેર પ્રમુખ હરિભુવન પાંડે અને શ્રમિક વિકાસ સંગઠન મંત્રી મુકેશ પરમાર દ્વારા મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ભાજપ સરકાર ફક્ત ઉદ્યોગપતિઓ અને મૂડીવાદી લોકો માટે કામ કરી રહી છે. ભાજપના રાજમાં ગરીબો, વંચિતો, શોષિતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આજે ભાજપના રાજમાં અમીરો અને મોટા લોકો માટે અલગ કાયદા છે અને સામાન્ય જનતા માટે અલગ કાયદા અને નિયમો છે. ભાજપ સરકારે વિવેકાનંદ બોર્ડના નામે ભાજપના 1175થી પણ વધારે યુવા નેતાઓને એક વર્ષમાં 20 કરોડથી પણ વધારેનો પગાર ચૂકવ્યો છે. આ રીતે જોવામાં આવે તો પાંચ વર્ષમાં 100 કરોડથી પણ વધારે પગાર ભાજપ સરકારે ભાજપના નેતાઓને ચૂકવી દીધો છે.

આજે ગુજરાતમાં ત્રણ લાખથી પણ વધારે શિક્ષિત બેરોજગારો છે, 40,000થી પણ વધારે શિક્ષકો બેરોજગાર છે, અને એ તમામ લોકોને રોજગાર આપવાની જગ્યાએ ભાજપ સરકાર ભાજપના નેતાઓને માલામાલ કરી રહી છે. આજે ગુજરાતમાં ચારે બાજુ ખાડે ખાડા પડી રહ્યા છે, બ્રિજનું ઉદ્ઘાટન થાય તે પહેલા બ્રિજમાં તિરાડો પડી જાય છે, ચારે બાજુ ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે અને આ ભ્રષ્ટાચારના ખાડામાં 95થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને તેની જવાબદારી લેવામાં ભાજપની સરકાર પીછેહઠ કરી રહી છે. હિટ એન્ડ રનના કેસમાં 6,500થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી પાસે મૃતકોના પરિવારને મળવાનો સમય પણ નથી. મનરેગાના નામે ભાજપના નેતાઓએ ₹2500 કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર કર્યો પરંતુ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે.

આજે ભાજપ સરકારના એક વધુ ચોંકાવનારો અને શ્રમિક વિરોધી નિર્ણય લીધો છે તેના પર અમે વાત કરીશું. ભાજપ સરકારે નિર્ણય કર્યો છે કે શ્રમિકોનું કામ કરવાના કલાક 8 થી 9 હતા, પરંતુ હવે ભાજપ સરકારે શ્રમિકોના કામ કરવાના કલાકો વધારીને 12 કલાક કરી નાખ્યા છે. ગુજરાતને આર્થિક અને સામાજિક રીતે ઉપર લાવવા માટે શ્રમિકોએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. પરંતુ ભાજપ સરકાર આ શ્રમિકોની ભૂમિકાને સમજવામાં સદંતર નિષ્ફળ નીકળી છે. આજે ગુજરાતમાં 17 લાખથી પણ વધારે શ્રમિકો છે અને 32,000થી પણ વધારે ફેક્ટરીઓ છે જેમાં આ શ્રમિકો કામ કરી રહ્યા છે. તમે શ્રમિકોના કામ કરવાનો સમય તો સરકારે વધારી દીધો પરંતુ તેમનું લઘુતમ વેતન સરકાર દ્વારા વધારવામાં આવ્યું નથી. આજે ગુજરાતમાં લગભગ ₹12,000 ની આસપાસ લઘુતમ વેતન છે તો આ વેતનને સરકારે વધાર્યું નથી પરંતુ કામ કરવાના કલાકો સરખા વધારી દીધા છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી એ દેશની એવી પહેલી સરકાર હતી જેણે લઘુતમ વેતનને ₹18,000થી વધારીને ₹21,000 કરી દીધું હતું. પરંતુ બીજી બાજુ ભાજપ સરકાર ગરીબો, વંચિતો અને શોષિતોનું દિવસેને દિવસે વધુ શોષણ કરી રહી છે. બીજી બાજુ મહિલાઓને સમાન કામ માટે સમાન વેતન પણ મળતું નથી. ભાજપ સરકારે સમજવાની જરૂર છે કે ગુજરાતના વિકાસમાં શ્રમિકો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેઓના અધિકારોના રક્ષણ માટે 1886માં શ્રમિકોએ ખૂબ જ મોટું આંદોલન કર્યું હતું અને આ આંદોલનમાં 8થી વધારે શ્રમિકો મૃત્યુ પામ્યા હતા અને 30થી પણ વધારે શ્રમિકો ઘાયલ થયા હતા. ભાજપ સરકારે એ સમજી લેવું જોઈએ કે આ આંદોલન ફરીથી ગુજરાતમાં થઈ શકે તેમ છે. અંતમાં એટલું જ કહીશું કે ભાજપ સરકારે ઉદ્યોગપતિઓના ખોળામાં બેસીને જે નિર્ણય લીધો છે તે નિર્ણયને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે ભાજપ સરકારે જે વટહુકમ જાહેર કર્યો છે તે વટહુકમને સરકાર તાત્કાલિક ધોરણે પાછો ખેંચે. નહીંતર આમ આદમી પાર્ટી શ્રમિકોની સાથે રહીને ખૂબ જ મોટું જનઆંદોલન કરશે.