બુધવારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ Mallikarjun kharge ભાવુક થઈ ગયા જ્યારે તેમણે ગૃહની કાર્યવાહીમાંથી ભાજપના વરિષ્ઠ સભ્ય ઘનશ્યામ તિવારી દ્વારા તેમની રાજકીય કારકિર્દી પર કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને દૂર કરવાની વિનંતી કરી. ખડગેએ આ દરમિયાન ત્યાં સુધી કહ્યું કે તેઓ આ વાતાવરણમાં વધુ જીવવા માંગતા નથી.
અધ્યક્ષ જગદીપ ધનખરને સંબોધતા ખડગેએ કહ્યું કે તિવારીએ કરેલી ટિપ્પણીથી તેમને દુઃખ થયું છે અને તેઓ ઈચ્છતા નથી કે આવી બાબતો ઉપલા ગૃહના રેકોર્ડ પર રહે.
અધ્યક્ષ ધનખરે ખડગેને ખાતરી આપી હતી કે તેઓ મંગળવારે ગૃહમાં તિવારી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સમીક્ષા કરશે અને જો કોઈ ટિપ્પણી ખડગેને નુકસાનકારક હોવાનું જણાયું, તો તેને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. ખડગેએ ગૃહની બેઠક શરૂ થયા બાદ તરત જ અધ્યક્ષની પરવાનગી સાથે મુદ્દો ઉઠાવ્યો હતો.
ખડગેએ જણાવ્યું કે પોતાની રાજકીય સફરનો ઉલ્લેખ કરતા તિવારીએ ‘પારિવારવાદ’ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તેમનો આખો પરિવાર રાજકારણમાં છે તેનું ઉદાહરણ છે. આ અંગે ખડગેએ કહ્યું કે, “તેમણે પરિવારવાદ વિશે ટિપ્પણી કરી હતી. હવે હું કહી શકું કે ભત્રીજાવાદ ખરેખર ક્યાં છે?
વિપક્ષના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારમાં પ્રથમ પેઢીના રાજકારણી છે અને તેમના માતાપિતા રાજકારણમાં નથી. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછીના તેમના અનુભવો શેર કરતા તેમણે કહ્યું કે તિવારીની ટિપ્પણી તેમને અયોગ્ય લાગી હતી અને તેને રેકોર્ડમાંથી હટાવી દેવી જોઈએ.
આ ઘટના રાજ્યસભામાં રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલી ગરમ ચર્ચાનો એક ભાગ છે, જ્યાં ઘણીવાર વ્યક્તિગત હુમલાઓ જોવા મળે છે. ખડગેની આ ભાવનાત્મક અપીલે ગૃહમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
અંતે તેણે કહ્યું – મારે આ વાતાવરણમાં વધુ જીવવું નથી.
સંબોધનના અંતમાં ખડગેએ તેમના પિતાને યાદ કર્યા અને કહ્યું કે થોડા વર્ષો પહેલા 85 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેના પર અધ્યક્ષ ધનખરે કહ્યું કે અમે પ્રાર્થના કરીશું કે તમે ઓછામાં ઓછા 95 વર્ષથી વધુ જીવો. તેના પર ખડગેએ કહ્યું કે હું દેશના વર્તમાન વાતાવરણમાં વધુ જીવવા માંગતો નથી.