આગામી એપ્રિલ માસમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાનાર છે. આ માટે ગુજરાત કોંગ્રેસ સહિત દેશના ટોચના કોંગ્રેસી નેતાઓએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. અધિવેશનનું સ્થળ નક્કી કરવા સહિત આગામી રણનીતિ માટે કોંગ્રેસે કમર કસી છે.

8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આ અધિવેશનની અધ્યક્ષતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે કરશે. જેમાં દેશભરના કોંગ્રેસના ટોચના નેતાઓ ભાગ લેશે. આ અધિવેશનમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના તમામ સભ્યો સહિત તમામ રાજ્યોની પ્રદેશ સમિતિઓના પ્રમુખ સહિતના નેતાઓ ઉમટશે. આ અધિવેશન પહેલા ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવા માટે કેટલાક શહેરોના સ્થળો શોર્ટ લીસ્ટ કર્યા છે. આ શોર્ટ લીસ્ટ કરાયેલા સ્થળોની યાદી રાષ્ટ્રીય નેતાઓને પહોંચાડી દેવાઈ હતી. જે બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ હાલ અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર હાજર છે અને હવે આ શોર્ટલિસ્ટ કરાયેલી યાદી સાથે તેઓ તમામ સ્થળોની મુલાકાત લેશે અને બાદમાં એક ચોક્કસ સ્થળ પર મહોર મારશે.

ઉલ્લેખનીય છે કે, 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન યોજાનાર છે. અગાઉ છેલ્લે 1961માં ભાવનગર ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાયુ હતુ. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા અને તે વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ગઢ ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી હતી. કોંગ્રેસ એ સુપેરે જાણે છે કે, દેશમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર આપવો હોય તો ગુજરાતમાં તેમનો ગઢ તોવડો અનિવાર્ય છે. પરીણામે ગુજરાત પર કોંગ્રેસનું હવે ખાસ લક્ષ્ય રહેશે. તે નિશ્ચિત છે.