Pahalgam Attack બાદ કંઈક મોટું થવાની ચર્ચાઓ વેગ પકડી રહી છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૌપ્રથમ સોમવારે સવારે આર્મી ચીફ સાથે મુલાકાત કરી હતી અને લાંબી ચર્ચા કરી હતી. જે બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર પહોંચ્યા અને ત્યાં PM MODI સાથે મુલાકાત કરી. રાજનાથે પીએમને તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
રક્ષા મંત્રી સિંહે PM MODI સાથે બેઠક કરી છે અને પહેલગામમાં ચાલી રહેલા ઓપરેશન અને સ્થિતિ અંગે માહિતી આપી છે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ સવારે સાઉથ બ્લોક પહોંચ્યા હતા, જ્યાં તેમને આર્મી ચીફ દ્વારા સૈન્ય ઓપરેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.
વાસ્તવમાં પહેલગામ હુમલા બાદ PM MODIનું આત્યંતિક વલણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં આખી દુનિયામાં ચર્ચા છે કે કંઈક મોટું થવાનું છે અને ભારત આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા જઈ રહ્યું છે. દિલ્હીથી લઈને બોર્ડર સુધી હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે.
એક દિવસ પહેલા જ PM MODIએ મન કી બાતમાં કહ્યું હતું કે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કરી દીધા છે. દરેક ભારતીયને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. તે ગમે તે રાજ્યનો હોય કે કઈ ભાષા બોલતો હોય, તે એ લોકોનું દુઃખ અનુભવી રહ્યો છે જેમણે આ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું જાણું છું કે આ આતંકવાદી હુમલાની તસવીરો જોઈને દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે. પહેલગામમાં આ હુમલો આતંકવાદને પ્રાયોજિત કરનારાઓની નિરાશા દર્શાવે છે. તેમની કાયરતા દર્શાવે છે. એવા સમયે જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી આવી રહી હતી, શાળા-કોલેજોમાં ઉત્સાહ હતો, બાંધકામના કામમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી અને લોકશાહી વધુ મજબૂત બની રહી હતી. પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો હતો, લોકોની આવક વધી રહી હતી, યુવાનો માટે નવી તકો ઊભી થઈ રહી હતી. દેશના દુશ્મનો, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, આતંકવાદીઓ અને તેમના આકાઓ કાશ્મીરને ફરીથી બરબાદ કરવા માંગે છે અને તેથી તેમણે આટલું મોટું ષડયંત્ર કર્યું. દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકતા, આતંકવાદ સામેના આ યુદ્ધમાં આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની અમારી નિર્ણાયક લડાઈનો આધાર છે. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણો સંકલ્પ મજબૂત કરવાનો છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.