પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પોતાની ગતિવિધિઓથી હટી રહ્યું નથી. જ્યારે ભારતે ઘાતકી આતંકવાદી હુમલા પર નારાજગી વ્યક્ત કરી તો પાકિસ્તાને પણ તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ભારતે આકરા નિર્ણયો લેતા પાકિસ્તાને પણ જવાબ આપવાની જાહેરાત કરી હતી.પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર કેટલાક વિસ્તારોમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેના (BSF)એ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જો કે ફાયરિંગમાં બંને તરફથી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ સરહદ પર વાતાવરણ તંગ છે.
ભારતીય સેનાના અધિકારીઓએ ગોળીબારની પુષ્ટિ કરી છે પરંતુ હજુ સુધી વધુ વિગતો આપવામાં આવી નથી. LOC પર ફાયરિંગ વચ્ચે ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના કુલનાર બાજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં 2 કે તેથી વધુ આતંકીઓ ફસાયેલા છે. આ એન્કાઉન્ટરમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. છેલ્લા 2 દિવસમાં બાંદીપોરામાં એન્કાઉન્ટર બાદ લગભગ 7 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલગામ બાદ જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

પાકિસ્તાની સેનાએ ફેબ્રુઆરીમાં પણ ગોળીબાર કર્યો હતો
ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ સરહદ પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો. અમારા સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી. પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ પાકિસ્તાની સેનાએ પૂંચ જિલ્લામાં LOC પાસે ભારતીય ચોકી પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ત્યારે પણ ભારતે જવાબી કાર્યવાહી કરી હતી. આમાં કોઈ જાનહાનિ કે કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પહેલગામ આતંકી હુમલા બાદ નવીનતમ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન બંને હાઈ એલર્ટ પર છે.
જમ્મુ અને કાશ્મીર આતંકવાદી ઘટના અને કરાચી કિનારે આજે અરબી સમુદ્રમાં સંભવિત મિસાઈલ પરીક્ષણ વચ્ચે ઈસ્લામાબાદે અરબી સમુદ્ર પર નો-ફ્લાય ઝોન લાદ્યો છે. પાકિસ્તાન સરફેસ ટુ સરફેસ મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતની આશંકાને જોતા પાકિસ્તાને પણ એલઓસીની બાજુમાં સૈનિકો તૈનાત કર્યા છે. 17 ફાઈટર પ્લેન તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 20 સ્ક્વોડ્રનને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન ભારતની કાર્યવાહીનો જવાબ આપવાના મૂડમાં છે.