National Update: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. બુધવારે સવારે બારામતીમાં ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. દુર્ઘટના બાદ ચાર્ટર્ડ પ્લેનમાં આગ લાગી ગઈ હતી.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, “બારામતી વિમાન દુર્ઘટનાથી મને ખૂબ દુઃખ થયું છે. અજિત પવાર એક જન નેતા હતા. તેમના પાયાના સ્તરે મજબૂત સંબંધો હતા. મહારાષ્ટ્રના લોકોની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવનાર મહેનતુ વ્યક્તિ તરીકે તેમનું સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.”
ભારતમાં, અગાઉ પણ, અગ્રણી નેતાઓ અને જાણીતી હસ્તીઓએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી: વિજય રૂપાણી
ગયા વર્ષે, ગુજરાતના અમદાવાદમાં એક જીવલેણ વિમાન દુર્ઘટના બની હતી. 12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ બચી ગયો હતો. વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા.
ટીડીપી નેતા બાલયોગી
લોકસભાના તત્કાલીન અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ આંધ્રપ્રદેશના ગોદાવરીથી ભીમાવરમ જઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર કૃષ્ણા જિલ્લા નજીક તળાવમાં ક્રેશ થયું.
ઓપી જિંદાલ અને સુરેન્દ્ર સિંહ
ઉદ્યોગપતિ અને હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું ૨૦૦૫માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. તેમનું હેલિકોપ્ટર દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યું હતું ત્યારે સહારનપુરમાં ક્રેશ થયું.
વાય.એસ. રાજશેખર રેડ્ડી
આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું ૨ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું.
સંજય ગાંધી
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પણ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ પાઇલટ પણ હતા. ૨૩ જૂન, ૧૯૮૦ના રોજ સફદરજંગ એરપોર્ટ નજીક દિલ્હી ફ્લાઇંગ ક્લબ વિમાન ઉડાવતી વખતે વિમાન અચાનક નિયંત્રણ બહાર ગયું અને તેમનું અવસાન થયું.
માધવરાવ સિંધિયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાનું ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ કાનપુર જઈ રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનને કારણે મૈનપુરી નજીક તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
સીડીએસ જનરલ બિપિન રાવત
ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ સુલુરથી વેલિંગ્ટન જતી વખતે તમિલનાડુના કુન્નુર નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.





