Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ સહિતના વિસ્તારોમાં વાદળ ફાટતા હાહાકાર મચ્યો છે. બીજી તરફ સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણોદેવી યાત્રા અટકાવી દેવામાં આવી છે. અચાનક આવેલા પૂર અને પથ્થરખોડાથી 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે ડોડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર લોકોનાં મૃત્યુ થયા છે. સતત વરસતા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ ઘર તૂટી પડતાં બે અને પૂરમાં વહેતા બે લોકોનાં મોત થયા છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેજ ગતિએ ચાલુ છે.

મંગળવારે અર્ધકુંવારી નજીક ભૂસ્ખલનની ઘટના બની હતી. જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દરરોજ વૈષ્ણોદેવીના દરબાર તરફ જતા હોય છે. જોરદાર અવાજ સાથે કાટમાળ અને મોટા પથ્થરો ટ્રેક પર આવી પડતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ. આ દરમિયાન કેટલાંક યાત્રાળુઓને ઇજા થઈ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલ ટ્રેક પર હાજર તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર સાથે NDRFની ટીમ પણ ઘટના સ્થળે એલર્ટ પર છે. મળતી માહિતી મુજબ પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ યાત્રા ફરી શરૂ કરાશે.

બટોટે-કિશ્તવાડ હાઇવે બંધ

સતત ભારે વરસાદને કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં અનેક સ્થળે ભૂસ્ખલન અને પથ્થરખોડાના બનાવો નોંધાયા છે. જેના કારણે અનેક રોડ બંધ થયા છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં ઘણા નાના પુલ પણ પાણીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ગયા છે. રહેણાંક વિસ્તારોને પૂરે ભારે નુકસાન પહોંચાડ્યું છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ થવાથી વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે. જિલ્લામાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ સહિત વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરીમાં સતત કાર્યરત છે.

રામબન જિલ્લામાં થયેલા વિશાળ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ કરાયો છે. જમ્મુમાં ભારે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. તાવી નદીમાં ઉફાન આવતાં પૂર રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. જેના પગલે નદી કિનારા પાસે આવેલા અનેક વિસ્તારો ડૂબી ગયા છે. કોઈ જાનહાની ન થાય તે માટે વહીવટી તંત્રે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે.

ડોડા-કિશ્તવાડ જિલ્લામાં હાઈ એલર્ટ

સતત વરસાદને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે. નોંધનીય છે કે 14 ઓગસ્ટે કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં પણ વાદળ ફાટ્યાના કારણે ભયાનક દુર્ઘટના બની હતી, જેમાં 65 લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ગુમ થયા હતા. તે ઘટનામાં મચૈલ માતા યાત્રા માટે આવેલા અનેક શ્રદ્ધાળુઓ, બસો, તંબુઓ અને દુકાનો પાણીના પ્રવાહમાં વહેતા ગયા હતા.

આ પણ વાંચો