Afghanistan: ગુરુવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ગુરુવારે સવારે 4.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. 31 ઓગસ્ટની રાત્રે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલા 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,457 થઈ ગયો છે. જ્યારે 3,394 થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, 6,700 થી વધુ ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે અને આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓ હજુ પણ દૂરના વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે.

31 ઓગસ્ટના રોજ આવેલા ભૂકંપથી ભારે વિનાશ થયો છે. તાલિબાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે કુનાર અને નંગરહાર પ્રાંતમાં 3,994 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 6,782 થી વધુ ઘરો નાશ પામ્યા છે. રાહત કાર્યકરો કાટમાળમાંથી મૃતદેહો કાઢવામાં વ્યસ્ત છે, પરંતુ અધિકારીઓ કહે છે કે બચાવ કાર્ય હજુ પણ અધૂરું છે.

ભૂકંપ પીડિતો પાણી, ખોરાક અને તબીબી સુવિધાઓની અછતનો સામનો કરી રહ્યા છે. તાલિબાન વહીવટીતંત્રે દાવો કર્યો છે કે ઘણા પરિવારોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવી છે અને દૂરના વિસ્તારો સુધીના રસ્તાઓ ખોલવામાં આવ્યા છે. ઉપરાંત, ઘણા દેશોની ખાસ બચાવ ટીમો રાહત કામગીરીમાં જોડાઈ છે.