Rahul Gandhi છેલ્લે ગુજરાત પ્રવાસ આવ્યા અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સામે જે લડત હતી, તેની સાથોસાથ પક્ષની અંદર ચાલતી માથાપચ્ચી દૂર કરી પક્ષને મજબૂતાઈ આપવાનો સંકલ્પ કર્યો હતો. હવે આ અરસામાં જ કોંગ્રેસના દેશભરના તમામ જિલ્લા પ્રમુખોને દિલ્હીનું તેડુ આવ્યુ છે. જેથી કોંગ્રેસ હવે નવાજૂની કરે તેવા એંધાણ છે.

2014માં કેન્દ્રમાંથી કોંગ્રેસ અને સહયોગી પક્ષોએ સત્તા ગુમાવી, તે બાદ દેશમાં સૌથી મોટુ નુકસાન રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસને થયુ છે. એક બાદ એક દેશના રાજ્યોમાંથી પણ સત્તા ગુમાવી અને જનાધાર ગુમાવવાની સાથે દેશભરમાંથી કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. Rahul Gandhiની મહેનત બાદ પણ કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો હતો.

આ વચ્ચે કોંગ્રેસનુ સંગઠન પણ ખૂબ નબળુ પડી ગયુ છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનુ છે. આ પહેલા કોંગ્રેસે દિલ્હીમાં દરબાર શરૂ કર્યો છે. જ્યાં આખા દેશમાંથી તમામે તમામ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખોને તેડાવ્યા છે અને કોંગ્રેસની સ્થિતિ પર મનોમંથન કરાશે. Rahul Gandhi પણ આ બેઠકમાં ભાગ લેશે.

કોંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલ તમામ જિલ્લા પ્રમુખો સાથે મનોમંથન કરશે. તો સાથે જ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ પોતાના જિલ્લા પ્રમુખો સાથે રૂબરૂ થઈ ચર્ચા કરશે.

વર્ષો બાદ કોંગ્રેસ આ મુજબ પુનઃ સક્રિય થઈ છે અને જૂના અંદાજમાં બેઠકોનો દૌર શરૂ કર્યો છે. સંગઠનના નવા માળખાથી માંડી અને ભાજપને પરાસ્ત કરવા માટે બૂથ લેવલે શું કરવુ જોઈએ, તે અંગે ચર્ચા સંભવ છે. તો સાથોસાથ આગામી રાષ્ટ્રીય અધિેશન માટેની તૈયારી અંગે પણ ચર્ચા વિચારણા કરાશે.