AAP: આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો મહાસભાઓ 1 ઓગસ્ટના રોજથી શરૂ થઇ છે અને આ ફક્ત 13 દિવસમાં જ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં 250થી વધુ જનસભાઓ યોજી અને આ જનસભાઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભાજપ અને કોંગ્રેસ જેવી અનેક પાર્ટીઓના ઈમાનદાર લોકોની સાથે સાથે સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો સહિત તમામ જાતિ, ધર્મ અને વર્ગના લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ ગુજરાતના આવનારા પરિવર્તનની નિશાની છે. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને બે મહિના સુધી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓથી લઈને સ્થાનિક નેતાઓ અને વોર્ડ પ્રમુખો સભાઓનું આયોજન કરશે.
ગતરોજ 13 ઓગસ્ટના રોજ અમદાવાદ, ભાવનગર, જામનગર, નવસારી, પંચમહાલ, સુરત, બારડોલી, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર અને ખેડા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સભાઓનું આયોજન કરવામાં આવ્યું. આ તમામ સભાઓમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ, પ્રદેશ પ્રવક્તા ડો. કરન બારોટ સહિત આમ આદમી પાર્ટીના લગભગ તમામ પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓના આગેવાનો પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત જોડો વિધાનસભામાં ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો, યુવાનો, મહિલાઓ અને વ્યાપારીઓએ હાજરી આપીને પરિવર્તનના સંકેત આપ્યા હતા.
વડાલા, જામનગરમાં આયોજિત ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, માણસો ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ ભાજપ અને કોંગ્રેસ મળીને ગુજરાતના લોકોને સારા રોડ રસ્તા અને સારી ગટર વ્યવસ્થા પણ નથી આપી શક્યા. પ્રજા લાખો અને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે પરંતુ વળતરમાં પ્રજાને શું મળે છે? ભાજપના લોકો બેટી બચાવોનો નારો આપે છે પરંતુ આપણી બેટીઓને ભણાવવા માટે સારી સ્કૂલો ભાજપે બનાવી નથી. ભાજપે તો સારી વ્યવસ્થા પૂરી ન પાડી પરંતુ કોંગ્રેસે પણ ભાજપને કડક સવાલો પૂછ્યા નહીં. આજે મા-બાપ પોતાના બાળકો માટે મોટા મોટા સપનાઓ જોતા હોય છે અને બાળકો પણ સપના જોતા હોય છે કે તે સારું ભણતર મેળવીને ડોક્ટર એન્જિનિયર આઇએએસ આઈપીએસ બને પરંતુ ભાજપના રાજમાં સારું શિક્ષણ મેળવી શકાય તેવી સ્કૂલો જ બની રહી નથી તો હવે બાળકો ભણે ક્યાં? અત્યાર સુધી લોકોએ ભાજપ અને કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો પરંતુ હવે ભાજપ છોડો કોંગ્રેસ પર પણ જરા પણ વિશ્વાસ કરાય તેમ નથી કારણકે કોંગ્રેસના લોકો તરત વેચાઈ જાય.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાવનગરમાં ગુજરાત જોડો જનસભામાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિસાવદરમાં ભાજપે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને તોડીને વિધાનસભા પર કબજો કરવાની કોશિશ કરી હતી. પરંતુ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની તાકાત નો પરચો બતાવ્યો અને ભાજપને શરમનાક હાર આપી. આજે ગુજરાતના ગામેગામ લોકો પોતાના જન પ્રતિનિધિઓ અને ખાસ કરીને ભાજપના નેતાઓ અને મંત્રીઓને કહી રહ્યા છે કે આવનારા અઢી વર્ષમાં બરાબર કામ કરીને બતાવો નહીંતર આખા ગુજરાતમાં વિસાવદર વાળી થશે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી પહેલી વખત પેટા ચૂંટણીમાં મેદાને ઉતરી અને ભાજપના સૂપડા સાફ કરી નાખ્યા. આના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપને જો કોઈ હરાવી શકે તેમ છે તો તે ફક્ત આમ આદમી પાર્ટી જ હરાવી શકે તેમ છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં જ્યાં પણ ભાજપનું કમળ ખીલેલું છે ત્યાં વિસાવદર વાળી થશે. આમ આદમી પાર્ટી એક લક્ષ્ય લઈને નીકળી છે કે ગુજરાતના લોકોને પરિવર્તન આપવું છે ગુજરાતના લોકોને એક નવું નેતૃત્વ આપવું છે અને ગુજરાતના લોકોને પીડામાંથી મુક્ત કરવા છે.