Breaking News:  બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અધ્યક્ષતામાં ‘સુપર કેબિનેટ’ બેઠક યોજાઈ, જેમાં કેન્દ્રીય મંત્રીમંડળના અગ્રણી મંત્રીઓ હાજર રહ્યા. આ બેઠકમાં જાતિ ગણતરી સહિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. સરકારે નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીની સાથે જાતિ ગણતરી પણ હાથ ધરવામાં આવશે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આગામી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરવામાં આવશે. 

રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)ને ‘સુપર કેબિનેટ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ તેના અધ્યક્ષ છે, તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, ગૃહ મંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનો સમાવેશ થાય છે. 

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્ર સરકારે શિલોંગથી સિલચર સુધીના નવા હાઈવેના નિર્માણને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ 22,864 કરોડ રૂપિયા થશે. આ ઉપરાંત, 2025-26ના શેરડીના સત્ર માટે ખેડૂતોને રાહત આપતાં 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)ને પણ મંજૂરી આપવામાં આવી છે.