મોબાઈલ ઈયર ફોનનો ઉપયોગ આપણા રોજીંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ ઈયરફોનનો વધુ પડતો વપરાશ બહેરાશ નોતરે છે. અગાઉના દસકાઓમાં માત્ર વૃદ્ધાવસ્થામાં બહેરાશના કેસ જોવા મળતા હતા. પરંતુ ઈયરફોનના કારણે બાળકોથી માંડી અને યુવાનોમાં બહેરાશની સમસ્યા જોવા મળી રહી છે. જે ચિંતાનો વિષય છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ સાંભળવાની પ્રક્રિયામાં કાનના તંતુઓ કામ કરે છે. આ તંતુઓ સામાન્ય છે કે તકલીફવાળા તે તપાસથી ખબર પડે છે. 60 ડેસિબલ કમ્ફર્ટ લેવલ છે. આથી જેમ-જેમ થ્રેડહોલ્ડ વધતો જાય તેમ તેમ સમસ્યા વધવા લાગે છે. બહેરાશને લઈને આજે પણ આપણા સમાજમાં એક પ્રકારે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. બહેરાશની સમસ્યા પ્રત્યે જાગૃતિના અભાવે અકસ્માત, ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. ઘણા બાળકોનો વિકાસ પણ બહેરાશની સમસ્યા પ્રત્યે દુર્લક્ષ રાખવાથી રૂંધાઇ જાય છે.

સાંભળવામાં સહેજપણ સમસ્યા લાગે તો વ્યક્તિએ તાકીદે ઈએનટીનો સંપર્ક કરવો જોઈએ. જેમ દ્રષ્ટિમાં ઉણપ આવે તો તેના માટે આંખે ચશ્મા પહેરીએ છીએ, તેવી જ રીતે સાંભળવામાં સમસ્યા આવે તો તેના માટે હિયરીંગ એઈડ્સ સહિતના વિકલ્પો છે.

જન્મજાત બહેરાશના કારણે બાળકોનો વિકાસ સંકુચિત થતો જાય છે. દરેક બાળક સરસ રીતે સાંભળી અને બોલી શકે તે માટે સરકાર દ્વારા મફત કોક્લિયર ઈમ્પાલ્ન્ટ કરી આપવામાં આવે છે. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેને કોક્લિયર ઈમ્પ્લાન્ટ નિઃશુલ્ક મળી રહે છે. સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગનાં હેડ ડૉ. નીના ભાલોડિયાએ જણાવ્યું કે, “ વર્ષ ૨૦૨૪માં સોલા ઓડિયોલોજી કોલેજમાં સ્પીચ થેરાપીના કુલ 4076 સેશન બાળકો માટે શક્ય બન્યા છે. વયસ્કમાં બહેરાશની સમસ્યા આગળ જતાં ડિપ્રેશન પણ લાવી શકે છે. આ વર્ષે 1900 જેટલા લોકોનું સોલા / સિવિલમાં બહેરાશનું નિદાન થયું છે.

ડોક્ટરોના મતે 60 ડેસિબલ સુધીનો અવાજ કાન માટે સલામત ગણાય છે. 85 ડેસિબલ કે તેથી વધુનો અવાજ સતત સાંભળવાથી અંશત: કે કાયમી બહેરાશ આવી જાય તેનું જોખમ રહેલું છે. ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે. 30 મિનિટથી વધુ ઈયરફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

આ પણ વાંચો…