Jamnagar : ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચેથી ગઈકાલે એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો, જેમ મૃતકની ઓળખ દરમિયાન મૃતક યુવાન વડોદરાના દિવ્યાંગ વ્યક્તિ હોવાનું અને તેને ટ્રેનમાંથી નીચે ફેંકી દઈ હત્યા નીપજાવાઈ હોવાનું સામે આવ્યું છે. પોરબંદર થી વડોદરા જતી વખતે દિવ્યાંગના ડબ્બામાં ઘુસેલા બે શખ્સોએ રકઝક કર્યા બાદ દિવ્યાંગ વ્યક્તિને ઊંચકીને નીચે ફેંકી દેતાં તેનું હેમરેજ થવાથી મૃત્યુ નીપજયું હતું, અને બનાવ હત્યામાં પલટાયો છે. રેલવે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખી તેની સાથે જ મુસાફરી કરતા અન્ય એક દિવ્યાંગ યુવાનની ફરિયાદના આધારે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને બંનેની અટકાયત કરી લીધી છે.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરના રેલવે ઓવરબ્રીજ નજીકથી ગઈકાલે એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ તપાસ દરમિયાન ચોકાવનારો ખુલાસો થયો હતો, અને તે વડોદરાના એક દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે રાત્રે પોરબંદર થી આવેલી ટ્રેનમાં દિવ્યાંગના ડબામાં મુસાફરી કરી રહેલા વડોદરાના વતની હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉંમર વર્ષ ૩૫)કે જેઓ જામનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેન માંથી ક્યાંક લાપતા બન્યા હતા, અને હાપા સુધીમાં તેનો પતો નહીં મળતાં તેની સાથે જ મુસાફરી કરનારા વડોદરા ના પાઉલભાઈ મથુરભાઈ મકવાણા જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉતરીને રેલવે પોલીસને જાણ કરી હતી, જેથી જામનગરના રેલવે પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. વેગડા, તેમજ સ્ટાફના જયેશભાઈ સોલંકી, માલદેભાઈ વાળા, વિરેન્દ્રસિંહ જાડેજા, દિપુરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ચૌહાણ અજય સિંહ જાડેજા, અને સહદેવસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી હતી.

પોસ્ટમોર્ટમ બાદ હત્યાનું તારણ કઢાયુ

દરમિયાન વહેલી સવારે છ વાગ્યે જામનગરના ગુલાબ નગર ઓવરબ્રિજ નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે તેનું નિરીક્ષણ કરતાં તે મૃતદેહ હિતેશભાઈ મિસ્ત્રી નો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જઈ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જ્યાં તેઓને માથામાં હેડ એન્જરી થઈ હોવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યાનું તારણ આવ્યું હતું. જેથી તેઓને ટ્રેનમાંથી ફેંકી દઈ આ બનાવ હત્યામાં પલટાયો હોવાનું પોલીસે તારણ કાઢ્યું હતું.

વિકલાંગનો ડબ્બો હોવા મામલે રકઝક થઈ

રેલ્વેની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવતાં જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો હાજી અયુબ કાતીયા (ઉમર વર્ષ ૩૫) તેમજ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો સદામ કાસમભાઈ કાચલીયા (૩૨), કે જે બંને વિકલાંગના ડબ્બામાં ચડ્યા હતા. જે ડબ્બામાં મૃત્યુ પામનાર હિતેશભાઈ તથા ફરિયાદ કરનાર પાઉલભાઇ કે જે બંને આ વિકલાંગ નો ડબ્બો છે, તેમાંથી તમે ઉતરી જાવ તે બાબતે રક્ઝક કરી હતી.

જ્યાં બંને સક્ષોએ ઝપાઝપી શરૂ કરી દીધી હતી, જેથી પાઉલભાઈ જામનગરના રેલવે સ્ટેશન પર ઉતરીને પોલીસનો સંપર્ક કરવા માટે ગયા હતા. જ્યારે હિતેશભાઈ તેમની સાથે ઝગડો કરી રહ્યા હતા. દરમિયાન એકા એક ટ્રેન ચાલુ થઈ જતાં પાઉલભાઈ અન્ય ડબ્બામાં ચડી ગયા હતા, અને હાપા રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા બાદ વિકલાંગના ડબ્બામાં જઈને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત બંને સક્ષો અને હિતેશભાઈ ગાયબ થઈ ગયા હતા.

આથી તેઓએ હાપા રેલવે સ્ટેશન પર ઉતરીને ફરીથી પોલીસનો સંપર્ક કર્યો હતો, અને હિતેશભાઈ ચાલુ ટ્રેનમાંથી ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી. તેના અનુસંધાને જામનગર રેલવે પોલીસ ટુકડીએ હિતેશભાઈ ની શોધખોળ કર્યા બાદ વહેલી સવારે 6 વાગ્યા બાદ તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો, અને સમગ્ર મામલામાં આ બનાવ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

રેલવે પોલીસે તાત્કાલિક અસરથી ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ બંને આરોપીઓ હાજી અયુબ અને સદામ કાસમ કે જેઓને શોધી લીધા હતા, અને તેઓની પૂછપરછ કરતાં બંનેએ હિતેશભાઈ સાથે ઝઘડો કર્યા પછી તેને નીચે ફેંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ રેલવે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો..