Jamnagar : મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે નાગમતી નદી ના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ અવિરત હાથ ધરવામાં આવી હતી. જેના માટે 6 જેસીબી મશીન અને 5 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે.

41 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ આજે સતત બીજા દિવસે ફરી મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે, અને અન્નપૂર્ણા ચોકડી તેમજ ગુલાબ નગર વિસ્તારમાં અલગ અલગ બે સ્થળે 41 ગેરકાયદેસર દબાણો વાળી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે.

રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને બે દિવસ પહેલા કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી, અને સવાર થી સાંજે 6 વાગ્યા સુધીમાં 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરી લેવાઈ હતી.

ત્યારબાદ એક દિવસનો વિરામ રાખીને ગઈકાલે સવારે રંગમતિ નદી કિનારે જુદા જુદા બે સ્થળોએ તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, અને 33 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે 66,000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મોડી સાંજ સુધી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને સમગ્ર દબાણો દૂર કરી લેવાયા હતા.

ત્યારબાદ આજે ફરીથી મેગાડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના ગુલાબ નગર વિસ્તાર અને અન્નપૂર્ણા ચોકડીના બે અલગ અલગ જગ્યાએ દબાણ હટાવ ની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે ના ભાગરૂપે નદીના પટના આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની ની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખા ની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી 100 થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેશનમાં જોડાયા છે, અને અલગ અલગ બે ટીમો બનાવાઈ છે.

સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે 6 જેસીબી મશીનો, 1 હિટાચી મશીન, 5 ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે બન્ને સ્થળે સિટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા અને સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે.

આ પણ વાંચો..