Jamnagar:જામનગર જિલ્લામાં નવરાત્રિના પાવન તહેવારો દરમિયાન ગૌવંશની તસ્કરી કરવાનો બનાવ બહાર આવતા ગૌપ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાત્રિના સમયે વોચ ગોઠવી એક આઇસર ટ્રકમાંથી 12 જેટલા ખૂંટિયાઓને મુક્ત કરાવ્યા હતા. આ પ્રકરણમાં એક કસાઈને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે શખ્સોને ફરાર જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરાઈ છે.

ચોક્કસ બાતમી પરથી પોલીસની કાર્યવાહી

જામનગર પંચકોશી એ-ડિવિઝનના પી.આઇ. એન.એમ. શેખને બાતમી મળી હતી કે જામનગર તાલુકાના ખીલોસ ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી ગૌવંશને ભરીને કચ્છ જિલ્લાના માળિયા વિસ્તારમાં કતલખાને લઈ જવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે મોડી રાત્રે પોલીસએ ખાસ વોચ ગોઠવી હતી.

ટ્રકમાંથી 12 ખૂંટિયાઓ મળી આવ્યા

વોચ દરમ્યાન ખીલોસ બસન પાસે એક આઇસર મીની ટ્રકને રોકી તેની તલાસી લેવામાં આવી. તલાસી દરમ્યાન પોલીસે જોયું કે અંદર 12 જેટલા ખૂંટિયાઓને ખોરાક-પાણી આપ્યા વિના બાંધીને ખિચોખીચ ભરવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોતા જ પોલીસએ તરત જ તમામ પશુઓને નીચે ઉતારીને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા. ત્યારબાદ આ પશુઓને નજીકની પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.

એક આરોપી ઝડપી, બે ફરાર

પોલીસે ઘટનાસ્થળેથી વાહનચાલક તથા કસાઈ શખ્સને ઝડપ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગૌવંશને કતલખાને પહોંચાડવા માટે ત્રણ જણની ટોળકી સંડોવાયેલી હતી. જેમાંથી બે વ્યક્તિઓ ઘટનાના સમયે ફરાર થઈ ગયા હતા. હાલ તેમને ફરાર જાહેર કરીને તલાશખોળ શરૂ કરી દેવામાં આવી છે.

ગૌપ્રેમીઓમાં ઉકળાટ

નવરાત્રિના પાવન દિવસોમાં આવી ઘટનાઓ સામે આવતા ગૌપ્રેમીઓમાં ભારે ઉકળાટ જોવા મળ્યો છે. સ્થાનિક ગૌપ્રેમીઓએ માગણી કરી છે કે આવા કૃત્યોમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડક સજા આપવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે સઘન વોચ ગોઠવવામાં આવે.

આ પણ વાંચો