Jamnagar: જામનગર શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારમાં પોલીસે જુગારખોરી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. કુલ 13 દરોડામાંથી 11 મહિલાઓ સહિત 70 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પાંચ શખ્સો નાશી જતાં તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે જુદી-જુદી જગ્યાઓ પરથી લાખો રૂપિયાની રોકડ કબજે કરી છે.

જોડિયા તાલુકાના ભીમકટા ગામમાં ત્રણ જુગારીઓને રૂ.17,650 સાથે પકડી પાડ્યા હતા, જ્યારે જામજોધપુરના બાલવા ફાટક પાસે દસ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રૂ.15,650 સાથે ઝડપાયા હતા. જામનગરના પ્રભાતનગર વિસ્તારમાં પાંચ શખ્સોને રૂ.4,820 સાથે ઝડપી લેવાયા હતા, જ્યારે બેડેશ્વર વિસ્તારમાં ચાર મહિલાઓ સહિત નવ જુગારીઓને સાબુના કારખાનાં નજીકથી રૂ.12,370 સાથે પકડવામાં આવ્યા હતા. પાણાખાણ વિસ્તારમાં ચાર શખ્સો રૂ.11,500 સાથે ઝડપાયા હતા.

રબારી ચોકમાં પાંચ ટપોરીઓને રૂ.10,100 સાથે પકડાયા હતા, જ્યારે થાવરીયા ગામે ત્રણ જુગારીઓ રૂ.12,150 સાથે ઝડપાયા હતા. કાલાવડના ખરેડી ગામે સાત શખ્સોને રૂ.14,200 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જામનગર નજીકના જાંબુડા ગામે પાંચ જુગારીઓ રૂ.10,400 સાથે ઝડપાયા હતા, જોકે ત્રણ શખ્સો નાશી જતાં ફરાર જાહેર થયા છે. મોરકંડા ગામે સ્મશાન પાસે ચાર શખ્સોને રૂ.5,259 સાથે પકડાયા હતા.

લાલપુરના જશાપર ગામે ત્રણ શખ્સોને રૂ.10,200 સાથે પકડાયા હતા, જ્યારે ધરાનગર વિસ્તારમાં પાંચ જુગારીઓને રૂ.1,520 સાથે ઝડપી લેવાયા હતા. વધુમાં લાલપુરમાં મહિલાઓનો જુગાર રમાતો હોવાની ઘટના પણ સામે આવી હતી, જ્યાં સાત મહિલાઓને રૂ.2,270 સાથે રંગેહાથ ઝડપવામાં આવી હતી. પોલીસે તમામ કેસમાં રોકડ રકમ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો