(AAP) આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત ચૂંટણી પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં રાત્રે લુખ્ખા તત્વોએ અને ગેંગના ગુંડાઓએ અંદર એક સોસાયટીની અંદર ઘુસીને આતંક મચાવ્યો. આ ગેંગના લોકોએ મારા મારી, પથ્થર મારો, ગાળાગાળી કરી. ટીવીના માધ્યમથી આપણે આ ઘટનાને જોઈ પરંતુ આપણે જોયા સિવાય પણ એવું ત્યાં કંઈ બન્યું હતું, જે હજુ સુધી આપણે જોયું ન હતું. જ્યારે ઘટના તાજી હતી ત્યારે મીડિયા સમક્ષ બહેનોએ કહ્યું કે આ ગુંડા તત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી હતી. એક વીડિયોમાં એક મહિલાએ સ્પષ્ટ કહ્યું છે કે મહિલાઓને છેડતી થઈ છે, બીભત્સ રીતે તેમને જોતા હતા, તેમ છતાં પણ પોલીસે દાખલ કરેલી FIRમાં છેડતી અને સ્ટોકિંગને લગતી કોઈપણ કલમ જોડવામાં આવી નથી. ગૃહમંત્રી અવારનવાર કહેતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ અહીંયા તો કલમ પણ લગાવવામાં આવી નથી રહી.
અમારો સવાલ છે કે આરોપીઓ પર કેમ એટલો બધો પ્રેમ આવી ગયો છે કે તેઓના નામ પણ FIRમાં લખવામાં આવ્યા નથી. અમારો સવાલ છે કે આ ગુંડાઓને કોણ બચાવે છે? બની શકે કે પોલીસના હાથ કોઈએ રોક્યા હોય, કોઈએ ઉપરથી દબાણપૂર્વક કહ્યું હોય કે આ BJPના ગુંડાઓ છે કે બુટલેગરો છે તેમના વિરુદ્ધ વધુ કલમ લગાવતા નહીં, નહિતર બદલી થઈ જશે. આવું બન્યું હોય તેવો અંદાજ છે મારો. ગૃહમંત્રી મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ અહીંયા છેડતીની કલમો લગાવવામાં આવી નથી. અમારો સવાલ છે કે ભાજપમાં એવો કયો નેતા છે જે આવા છેડતી કરનારા લોકોને બચાવે છે?
પાંચ મિનિટના ગેપમાં સંખ્યાબંધ હજારો ગુંડાઓ તલવારો લઈને જો એક જગ્યાએ પહોંચી જાય છે તો સમજી જવું જોઈએ કે એ કામ માત્ર ને માત્ર કોઈ ગેંગ જ કરી શકે. આવી ઘટનાને ઓર્ગેનાઇઝ ક્રાઈમ કહેવાય, પરંતુ આખી એફઆઇઆરમાં કોઈપણ ઓર્ગેનાઇઝ ક્રાઈમની કલમ લગાવવામાં આવી નથી. અમારો સવાલ છે કે શા માટે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કોઈ કલમ લગાવવામાં આવી નથી? આ ગુંડાતત્ત્વો કયા ભાજપના નેતાના સગા હતા? 50-100 ગુંડાઓએ એક સોસાયટી પર યુદ્ધ કરતા હોય તે રીતે હુમલો કર્યો, તેમ છતાં પણ શા માટે ઓર્ગેનાઇસ ક્રાઈમની કલમ લગાવવામાં આવી નથી? મારી પોલીસ તંત્રને વિનંતી છે કે વહેલી તકે આ મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.