Valsad: ગુજરાત પોલીસે એક ખતરનાક સિરિયલ કિલરની ધરપકડ કરી છે જે ઘણા રાજ્યોમાં મહિલાઓ પર બળાત્કાર અને હત્યાઓ કરતો હતો. ગુજરાત પોલીસના એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. આરોપીનું નામ રાહુલ જાટ છે. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રાહુલ જાટ ચાર રાજ્યોમાં અનેક હત્યાઓમાં સામેલ છે. વલસાડ (Valsad) જિલ્લામાં 19 વર્ષની યુવતી પર બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે 14 નવેમ્બરના રોજ ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા કેસની તપાસ દરમિયાન ગુજરાત પોલીસ હરિયાણાના રોહતકના રહેવાસી કથિત સીરિયલ કિલર રાહુલ જાટ સુધી પહોંચી અને તેની ધરપકડ કરી. પોલીસનું કહેવું છે કે પીડિતા સાંજે ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેના પર પાછળથી હુમલો કર્યો હતો. આરોપીએ તેના પર બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેની ધરપકડના એક દિવસ પહેલા આરોપી રાહુલ જાટે તેલંગાણાના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનમાં એક મહિલાને લૂંટીને તેની હત્યા કરી હતી. પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે સ્થાનિક અને રેલવે પોલીસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં વલસાડ (Valsad)ના વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી રાહુલ જાટ ઝડપાયો હતો. રાહુલ ઘણો ફરતો હતો અને પોતાનું રહેઠાણ બદલતો રહેતો હતો.

પોલીસ અધિક્ષકે કહ્યું- અમને જાણવા મળ્યું છે કે તે કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર લૂંટ અને હત્યાના ઓછામાં ઓછા ચાર કેસમાં સામેલ છે. તેની ધરપકડના એક દિવસ પહેલા, તેણે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન (તેલંગાણામાં) નજીક એક મહિલાને લૂંટી હતી અને ટ્રેનમાં તેની હત્યા કરી હતી.

ઓક્ટોબરમાં તેણે મહારાષ્ટ્રના સોલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં એક મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. તેણે પશ્ચિમ બંગાળના હાવડા રેલવે સ્ટેશન પાસે કટિહાર એક્સપ્રેસ ટ્રેનમાં એક વૃદ્ધની છરી મારીને હત્યા કરી હતી. તેના પર કર્ણાટકના મુલ્કીમાં એક ટ્રેન પેસેન્જરની હત્યા કરવાનો પણ આરોપ છે. વાઘેલાએ કહ્યું કે રાહુલ વિરુદ્ધ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.