Ahmedabad: આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ગુજરાતમાં તેમની તમામ વિઝીટ ઉમંગદાયક હોઈ શકે પરંતુ છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી મોદી અથવા તો ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે વિપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવે છે અથવા હાઉસ અરેસ્ટ કરીને નજર કેદ કરી લેવામાં આવે છે. અમારો સવાલ છે કે સરકાર આ પગલું કેમ ભરે છે? તેમને શેનો ડર છે? આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. શું એક લોકતાંત્રિક દેશમાં વિરોધ પક્ષ કે પછી લોકો પોતાની વાત પણ રજૂ ન કરી શકે? લોકોને રોકવા માટે જ એ લોકોને હાઉસ અરેસ્ટ અને ડિટેન કરવામાં આવે છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હું આવું વાતને વખોડું છું. આ દેશમાં હવે લોકશાહી જેવું રહ્યું નથી. હવે તાનાશાહી ચાલી રહી છે. હવે તાનાશાહી એટલી વધી ગઈ છે કે તમે કોઈ પણ વાતનો વિરોધ કરો તો સમજો કે તમારા એક્શન લેવાશે.

બીજી એક વાત કરીશ કે 25 ઓગસ્ટ 2015નો એક ઐતિહાસિક દિવસ આપણે જોયો. એ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં 25 લાખ પાટીદારો પોતાની એક માંગને લઈને એકઠા થયા હતા. પોતાની એકતાનો પરિચય આપીને પાટીદારોએ સાબિત કર્યું હતું કે તેઓ સરદાર પટેલના વંશજ છે. પરંતુ સાંજ પડતાં પડતાં આખો દિવસે એક ગોઝારો દિવસ બની ગયો. ત્યારબાદ પોલીસની ગોળીમાં 14 પાટીદારોની હત્યા થઈ. આજે એ શહીદોને યાદ કરીને હું નમન કરું છું.