દેશમાં વલસાડ લોકસભા બેઠક એ એવી બેઠક છે કે, અત્યાર સુધી અહીં જે પક્ષના ઉમેદવારની જીત થઈ છે કેન્દ્રમાં તે પક્ષની સરકાર રચાઈ છે. 2024ના ચૂંટણી જંગમાં અહીં ભાજપના ધવલ પટેલ જીતી ગયા છે. તો બીજી તરફ કેન્દ્રમાં પણ NDAને પણ બહુમતી મળી છે. કેન્દ્રમાં NDAની સતત ત્રીજીવાર સરકાર બને છે તો વલસાડ બેઠકની 17મી ચૂંટણી એવી બનશે કે જેમાં અહીં જે ઉમેદવાર જીત્યો હોય તેની પાર્ટીની જ કેન્દ્રમાં સરકાર બની હોય. 1957થી 2024 સુધીની ચૂંટણીઓના રોચક ઈતિહાસની આગળ વાત કરીએ.

વલસાડ લોકસભા બેઠક પર 1957થી લઈ 2024 સુધીમાં કુલ 17 ચૂંટણીઓ યોજાયેલી છે. જેમાં સૌથી વધુ 9 વખત કોંગ્રેસનો, 6 વખત ભાજપનો અને 1-1 વખત જનતા પાર્ટી અને જનતા દળની જીત થયેલી છે. ગુજરાતની વલસાડ લોકસભા બેઠકનો એવો રોચક ઈતિહાસ છે કે આ બેઠક પર જે પક્ષના ઉમેદવારની જીત થઈ છે એ જ પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની છે.

2024ની ચૂંટણીમાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ જીત મેળવવામાં સફળ રહ્યા છે. તો બીજી તરફ કેન્દ્રમાં પણ ભાજપની આગેવાનીમાં NDA જાદુઈ આંકડાને પાર કરી ચૂકી છે. ત્યારે વલસાડ બેઠક પરની સતત 16 ચૂંટણીથી ચાલી આવતી પરંપરા 17મી ચૂંટણીમાં પણ યથાવત રહે છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે.

તમને જણાવી દઈએ કે, વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલનો કોંગ્રેસના અનંત પટેલ સામે ભવ્ય વિજય થયો છે. ભાજપના ધવલ પટેલે અનંત પટેલને 2.10 લાખના જંગી મતોની લીડથી હરાવ્યા છે. છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના ધવલ પટેલને મળેલા 7,64,226 મત સામે કોંગ્રેસના અનંત પટેલને માત્ર 5,53,522 મત મળ્યા હતા. જ્યાં 2,10,704 મતની જંગી લીડથી ધવલ પટેલ ​​​​​​વીજયી બનતા કાર્યકર્તાઓએ જીતને વધાવી લીધી અને અંતે વલસાડ લોકસભા બેઠકના સાંસદ તરીકે લોકોએ ભાજપના ધવલ પટેલને પસંદ કર્યા છે.