Gujarat: ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળા અને ઠંડીએ દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવાનું પણ શરૂ કરી દીધું છે. આ વર્ષે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગની આગાહી મુજબ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 4 થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઠંડી પડી શકે છે.
હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવેમ્બરની શરૂઆતથી જ રાજ્યના કેટલાક ભાગોમાં રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધશે. સાથે જ મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની પણ સંભાવના છે. આ કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને અલ નીનો ઈફેક્ટને કારણે આ વખતે શિયાળો મોડો શરૂ થશે. જેના કારણે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે.
ઠંડીનું પ્રમાણ વધી શકે છે
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ભયંકર તોફાન 19 અને 22 નવેમ્બરની વચ્ચે રાજ્યમાં ત્રાટકી શકે છે. આનાથી ગુજરાતનું હવામાન બદલાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ પડી શકે છે. ખાસ કરીને 7 થી 14 નવેમ્બર અને 19 થી 22 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.