સુરત: તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ટિકિટ વિના કે ખોટી ટિકિટ પર મુસાફરી કરવાનું ન વિચારશો. પશ્ચિમ રેલવેએ ટિકિટ વિના મુસાફરી કરનારાઓ સામે વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2025 સુધીના આંકડા આશ્ચર્યજનક છે. રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફે દિવસ-રાતની મહેનતથી ₹97.47 કરોડથી વધુની વસૂલાત કરી છે. આ રકમ ગત વર્ષની સમાન અવધિની સરખામણીએ 42 ટકા વધુ છે અને રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકથી લગભગ 15 ટકા વધારે છે.

આ દરમિયાન મુંબઈ ઉપનગરીય ખંડમાંથી જ ₹27 કરોડની વસૂલાત થઈ છે.  સપ્ટેમ્બર 2025માં ટિકિટ વિના, અનિયમિત મુસાફરી અને બુક ન કરાયેલ સામાનના 2.35 લાખ કેસ ઝડપાયા, જેમાંથી ₹13.28 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. આ રકમ ગત વર્ષની સરખામણીએ 116 ટકા વધુ છે. મુંબઈ ઉપનગરીય ખંડમાં 96,000 કેસમાં કાર્યવાહી કરીને ₹4 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી. એસી ઉપનગરીય લોકલ ટ્રેનોમાં અનધિકૃત મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન ચલાવવામાં આવેલા અભિયાનોમાં લગભગ 49,000 અનધિકૃત મુસાફરો ઝડપાયા અને તેમની પાસેથી ₹1.59 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો, જે ગત વર્ષની સમાન અવધિની સરખામણીએ 70 ટકા વધુ છે.