હવામાન વિભાગે આગામી બે દિવસો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ દીવમાં બે દિવસ હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ અલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની પણ અધિકારીઓએ સલાહ આપી છે.

ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવી રહી છે, તેમાં પણ બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા સંકેતો અપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે.

સૌરાષ્ટ્રના પાંચ વિસ્તારોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પણ વટાવી ગયો હતો, સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગરમી મહુવામાં 41.4 ડિગ્રી નોંધાઈ હતી.  હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 10 શહેરોમાં મહત્તમ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી દીધો હતો. જેમાં મધ્ય ગુજરાત અને કચ્છ – સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. રવિવારે સૌથી વધારે ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ હતી.