આમ આદમી પાર્ટી(AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ ઝઘડિયામાં થયેલી ગંભીર ઘટના મુદ્દે ભરૂચના એસપીને આવેદનપત્ર આપ્યું હતું અને માંગણી કરી હતી કે આ મુદ્દા પર ઝડપથી કેસ ચલાવવામાં આવે અને અપરાધીને સજા કરવામાં આવે. આ સિવાય ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય Chaitar Vasavaએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના મંદિર એટલે કે સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટિપ્પણી કરી છે, તેના પર હું ગૃહમંત્રી અમિત શાહને કહેવા માંગીશ કે જ્યારે વર્ણવ્યવસ્થા હતી ત્યારે એસસી-એસટી સમાજના લોકોને ભણવાની કે જાહેરમાં ફરવાની અને બોલવાની પણ છૂટ ન હતી. અને આજે બાબા સાહેબના કારણે એક આદિવાસી મહિલા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. આ શક્ય બન્યું કારણકે આપણને બાબા સાહેબે એક મજબૂત સંવિધાન આપ્યું. તો ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબનો જે અપમાન કર્યું છે, તેને અમે સહન કરીશું નહીં. આ મુદ્દા પર ભરૂચમાં અમારા સાથીઓએ કાર્યક્રમ કર્યો છે અને આવનારા સમયમાં વધુ જલદ કાર્યક્રમો કરવામાં આવશે. અમારી માંગણી છે કે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને બાબા સાહેબ વિરૂદ્ધ ટિપ્પણી કરવા માટે તેઓ સમગ્ર દેશ પાસેની માફી માંગે.
વધુમાં ધારાસભ્ય Chaitar Vasavaએ ઝઘડિયાની ઘટના મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ઝઘડિયામાં એક શ્રમજીવી પરિવારની દીકરી સાથે જે દર્દનાક ઘટના ઘટી એ મુદ્દા પર આજે અમે ભરૂચ જિલ્લાના એસપીને આવેદનપત્ર આપ્યું છે અને અમે માંગ કરી છે કે આ કેસને ઝડપથી આગળ વધારવામાં આવે અને દીકરીને ન્યાય આપવામાં આવે. અમે દીકરીના માતા પિતાને હિંમત આપી છે અને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે દીકરી બચી જાય, પરંતુ અમારો સવાલ છે કે ગુજરાતમાં રોજેરોજ આવી ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે. અમારો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી? અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે.
જ્યારે ઝઘડિયામાં આ બનાવ બન્યો એ સમયે ઝઘડિયાની પોલીસે મારા પર બે એફઆઇઆર કરી હતી અને હું 17 તારીખે જ ઝઘડિયા આવવા માટે નીકળ્યો હતો પરંતુ પોલીસે મને બે થી ત્રણ દિવસ સુધી ભરૂચ જિલ્લામાં પ્રવેશવા દીધો નહીં. અમે કોઈ કામદારો માટે કે કોઈ દીકરીઓ માટે ઊભા રહીએ તો અમારા પર પોલીસ ફરિયાદો થઈ જાય છે. અમે ઈચ્છીએ કે દીકરી ઝડપથી સાજી થઈ જાય અને આ પરિવારને ન્યાય મળે. આ પહેલા પણ દાહોદમાં ખૌફનાક ઘટના ઘટી ગઈ, આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર જેવા અનેક શહેરોમાં આવી અનેક ઘટનાઓ ઘટી ગઈ પરંતુ કોઈ દીકરીને ન્યાય નથી મળી રહ્યો. અમારી માંગ છે કે સરકાર એવો કાયદો બનાવે, જેમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે.
ગુજરાત સરકારને અમે કહેવા માંગીશું કે જ્યારે બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે તમે દેખાવો કરો છો અને લાંબા લાંબા ટ્વીટ કરો છો અને કેન્ડલ માર્ચ પણ કરો છો, પરંતુ ગુજરાત રાજ્યમાં જ ઝઘડિયામાં એક શ્રમજીવી પરિવારની નાનકડી દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી ગઈ તે સમયે શા માટે કોઈ ભાજપના સ્થાનિક નેતાઓ કંઈ બોલતા નથી? શા માટે સરકાર આ મુદ્દા પર મૌન પાડીને બેઠી છે? મહિલા સુરક્ષાની અને બેટી બચાવોની મોટી મોટી વાતો થાય છે અને બીજી બાજુ ગુજરાતમાં એક વર્ષમાં 648 નાબાલિક દીકરીઓ સાથે બળાત્કારની ગંભીર ઘટનાઓ ઘટી છે તે ખૂબ જ દુઃખની બાબત છે. હું કહેવા માગું છું કે ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા, યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા, તો ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે. આજે જીઆઇડીસી વિસ્તાર સુરક્ષિત નથી અને આજે લોકો પોતાની નાની દીકરીઓને ઘરની બહાર મોકલતા પણ ડરે છે કારણ કે લોકોમાં ભયનો માહોલ છે કારણ કે આજે ગુજરાત સલામત નથી.