Ashok Ojha AAP : આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ Ashok Ojha અને વડોદરા શહેર મહામંત્રી જાનવીબા ગોહિલની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના વડોદરા શહેર મહામંત્રી જાનવીબા ગોહિલએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતોના હિત માટે ગુજરાતના ખૂણે ખૂણે કિસાન મહાપંચાયત યોજી રહી છે. હડદડ ગામમાં જે બનાવો બન્યો હતો અને ખેડૂતો અલગ અલગ સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા એના વિરોધમાં આમ આદમી પાર્ટીએ મજબૂત રીતે અવાજ ઉઠાવ્યો છે અને કિસાન મહાપંચાયતો યોજી હતી. ભાજપની બેરી મૂંગી સરકારે માવઠામાં નુકસાન પામેલા ખેડૂતોને વળતર આપવા માટે જે રકમની જાહેરાત કરી હતી એનો એક પણ રૂપિયો ખેડૂતો સુધી પહોંચ્યો નથી. સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે પરંતુ હજુ સુધી ખેડૂતોને એક પણ રૂપિયો મળ્યો નથી. 21 લાખ ખેડૂતોએ અરજીઓ કરી છે ત્યારે અંદાજિત ફક્ત 1,00,000 જેટલી અરજીઓ સ્વીકારવામાં આવી છે. અમારી માંગ છે કે નુકસાન પામેલા તમામ ખેડૂતોને સરકાર તાત્કાલિક ધોરણે વળતર ચૂકવે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ Ashok Ojhaએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં ખેડૂતો સાથે થઈ રહેલા કડદા વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવ્યું અને સરકારે આખા બોટાદને કિલ્લેબંધીમાં ફેરવી દીધું અને કોઈને બોટાદમાં પ્રવેશ કરવા દીધા નહીં. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા હડદડ ગામમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં પોલીસે ખેડૂતો પર દમન ગુજાર્યો. ઉંમરલાયક ખેડૂતોને પણ માર મારવામાં આવ્યો અને લોકોના ઘરના દરવાજા તોડીને લોકોને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ એમ કુલ મળીને 85 જેટલા લોકોને જેલમાં મોકલ્યા હતા. છતાં પણ અમે પીછે હટ કરી નથી અને બુલંદીથી અમારો અવાજ ઉઠાવીશું અને સરકારને કહેવા માંગીએ છીએ કે કડદા પ્રથા બંધ કરો અને ખેડૂતોનો અવાજ સાંભળો અને ખેડૂતોને સહાય કરો. પરંતુ સરકાર આ અવાજ સાંભળતી નથી માટે આમ આદમી પાર્ટી ઠેર ઠેર કિસાન મહાપંચાયત યોજી રહી છે. અગાઉ આવી જ કરેલી કિસાન મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા ખાતે 29 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટી વધુ એક કિસાન મહાપંચાયતનું આયોજન કરશે અને હું તમામ ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે આમંત્રિત કરું છું