Gopal Italia News: છેલ્લા ઘણાં સમયથી હીરા બજારમાં ચાલી આવતી મંદી વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અચાનક મહિધરપુરા હીરા બજારની મુલાકાત લીધી હતી. હીરા બજારમાં વેપારીઓ, હીરા દલાલો તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને સૌ કોઈ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

Gopal Italiaની હીરા બજારની મુલાકાત વખતે હીરા બજારના ધંધાર્થીઓએ પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે હીરા બજાર છેલ્લા ઘણાં સમયથી ખૂબ જ કપરા સમયમાંથી પસાર થાય છે. સરકાર પણ હીરા ઉદ્યોગને બેઠો કરવામાં કોઈ ધ્યાન નથી આપી રહી. કોઈ રાહત પણ નથી આપતી. રત્ન કલાકારોની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જાય છે. મંદીનો અજગર ભરડો સમસ્ત હીરા બજાર પર પડી ગયો છે. તેમાંથી બેઠા થવા સરકારને રજૂઆત કરવા સૌ હીરા બજારના ધંધાર્થીઓએ એકસૂરમાં ગોપાલ ઇટાલિયાને કહ્યું હતું.

ધારાસભ્ય Gopal Italiaએ તમામ ધંધાર્થીઓની રજૂઆત ધ્યાનથી સાંભળી હતી, તેમજ હીરા દલાલો અને ધંધાર્થીઓને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મોટા ઉદ્યોગકારોને છાવરતી આ સરકાર છે ત્યાં સુધી નાના વેપારીઓ કે માણસોનું ભલું થવાનું નથી જ. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાજપ સરકારમાં ખુદ ભાજપના ધારાસભ્યો અટવાઈ રહ્યાં છે, તેઓ પ્રજાના કામો માટે વલખાં મારે છે, તો સામાન્ય માણસની તો શું વિસાત? જો હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવો હોય અને બજારમાં ફરીથી હીરા જેવી ચમક લાવવી હોય તો સરકાર પર ઝાડું ફેરવવું અત્યંત જરૂરી છે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે વિઝન છે, અમે નાના માણસોની પરિસ્થિતિથી વાફેક છીએ, અમને એમની પીડા સમજાય છે, પરંતુ જ્યાં સુધી નાના માણસો અને ધંધાર્થીઓ જાગૃત ના થાય ત્યાં સુધી કશું થઈ શકવાનું નથી. વડોદરાનો દાખલો આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપ રાજમાં ખુદ એમના જ ધારાસભ્યોની રજૂઆતો કોઈ સાંભળવા તૈયાર નથી. આને માટે તમારે સરકાર બદલવી જ રહી, જે નાના માણસોના દુઃખ દર્દ, વેપારમાં ઉતાર ચઢાવ, નાની મોટી સમસ્યાઓ સમજી શકે.