Gujarat: હિંમત અને જુસ્સા સાથે સ્વમાનભેર જીવન જીવી રહેલા સૌ દિવ્યાંગજનો પોતાના પરિવારનો જ એક હિસ્સો ગણાવી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, આજનો દિવસ લાગણી અને કરૂણાનો દિવસ છે. દિવ્યાંગજનોની પરિસ્થિતિને રાજ્ય સરકાર સમજી રહી છે. સંવેદનશીલ રાજ્ય સરકાર હરહંમેશ તેમના અને તેમના પરિવારના પડખે છે. દિવ્યાંગતાની સ્થિતિનો અનુભવ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર કરતો હોય છે.

ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે,  દિવ્યાંગ નાગરિકોના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે તે હેતુથી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગો સન્માનભેર જીવન જીવી શકે, તેઓ સ્વમેળે સશક્ત થાય, રોજગારી મેળવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરોત્તર નવી યોજનાઓ લાવી તેમને વધુ સશક્ત બનાવવામાં આવે છે. 

દિવ્યાંગોનું આત્મગૌરવ વધારવા માટે આપણી આસપાસના દિવ્યાંગોની શક્તિની કદર-સન્માન કરી, જરૂર પડે ત્યાં તેમને હૂંફ ભર્યું વાતાવરણ આપી પ્રોત્સાહન આપવાના સેવા કાર્યમાં જોડાઈ શકીએ છીએ. દિવ્યાંગજનોને ઉપયોગી થવાનું શ્રેષ્ઠ સેવા કાર્ય માત્ર એક દિવસ નહીં પરંતુ હંમેશા ચલાવવું પડશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

સમાજ સુરક્ષા પ્રભાગની ભૂમિકા રજૂ કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓનાં વિકાસ, શિક્ષણ અને તાલીમ પાછળ સમાજ સુરક્ષા પ્રભાગ દર વર્ષે અંદાજિત રૂ.૨૪૦ કરોડ જેટલી માતબર રકમ ખર્ચે છે. આ સાથે પ્રાથમિક કક્ષાએથી લઇને ઉચ્ચ અને સર્વોચ્ચ કક્ષાનાં શિક્ષણ માટે દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોના અધિકારોના રક્ષણ અને અધિનિયમની અમલવારી માટે રાજ્યમાં દિવ્યાંગ વ્યક્તિઓના કમિશનરની સ્વતંત્ર કચેરી કાર્યરત છે. આ કચેરી દિવ્યાંગજન અધિકાર અધિનિયમના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે કામગીરી કરી રહી છે. જેના માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતાના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શહીદે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ૭ હજાર જેટલી જગ્યા ઉપર દિવ્યાંગજનો સેવા આપી રહ્યાં છે. દિવ્યાંગોને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૨૧ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરી દિવ્યાંગજનોને રોજગારી આપવાનું આયોજન છે. 

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે મંત્રીશ્રીઓના હસ્તે ૧૫ જેટલા દિવ્યાંગજનોને ઉપયોગી વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હેયરીંગ એઇડ, ટી.એલ.એમ કીટ, બ્રેઈલ કીટ, ફોલ્ડિંગ વ્હીલચેર, મોટરાઈઝડ ટ્રાઇસિકલ જેવા રોજિંદા જીવનમાં ઉપયોગી થતા સાધનો આપવામાં આવ્યા હતા. 

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ નૃત્ય, ગાયન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરી બધાને અભિભૂત કર્યા હતા. તમામ દિવ્યાંગ કલાકારોની ઉત્તમ પ્રસ્તુતિ માટે મંત્રીશ્રીઓ સહિત તમામ મહાનુભાવોએ બિરદાવ્યા હતા.

આ પ્રસંગે સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવે સ્વાગત પ્રવચન તથા નાયબ નિયામક શ્રી એચ.એન. વાળાએ  આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા ૦૮ જેટલા પ્રોફેસરો દ્વારા ‘દિવ્યાંગજનોના અધિકાર’ વિષય ઉપર પેનલ ચર્ચા યોજાઈ હતી. આ ઉપરાંત દિવ્યાંગજનો માટેના સ્વાવલંબન પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ, રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ગાંધીનગર લૉ યુનિવર્સિટીના પ્રોફેસર્સ, અદાણી ગ્રુપના ડાયરેક્ટર શ્રી જીત અદાણી, સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.