Viramgam: રાજ્યમાં ફરી એકવાર રાઈડ તૂટવાની ગંભીર ઘટના સામે આવી છે. વિરમગામ ખાતે એમ.જે. હાઈસ્કૂલના મેદાનમાં આયોજિત આનંદમેળામાં ‘સેલંબો’ નામની રાઈડ અચાનક તૂટી પડતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. બંનેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તંત્રની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો

આ અકસ્માત બાદ મેળાના સંચાલકો તેમજ સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સૌથી મોટો મુદ્દો એ છે કે રાઈડ શરૂ કરતાં પહેલા તેની યોગ્ય તકનીકી ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? જો ચકાસણી થઈ હોય તો પછી આ દુર્ઘટના કેવી રીતે બની?

સ્થાનિકોમાં ભારે રોષ છે કે તંત્રએ પૂરતી ચકાસણી કર્યા વિના મેળાને મંજૂરી આપી દીધી. સલામતીના ધોરણો જાળવવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. અકસ્માત બાદ તંત્રએ તાત્કાલિક મેળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

સલામતી મુદ્દે ચેતવણી

આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે જાહેર કાર્યક્રમોમાં સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જવાબદાર સામે કડક કાર્યવાહી સાથે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક નિયમો અમલમાં લાવવાની જરૂરિયાત છે.

આ પણ વાંચો