Valsad: ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલું વાપી રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ કાર્ય હજુ સુધી પૂર્ણ ન થતાં શહેરવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા, શાળા જતા બાળકો અને નોકરી માટે દૈનિક પ્રવાસ કરતા લોકોને પડતી મુશ્કેલીઓ વચ્ચે આજે મંગળવારે વાપી કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને લઈને પીડબ્લ્યુ વિભાગ સામે મોરચો કાઢ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા અને પીડબ્લ્યુ કચેરીએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મોરચાના સ્થળે નારાબાજી કરીને કોંગ્રેસે જણાવ્યું કે, “ત્રણ વર્ષ પહેલાં વાપી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ફ્લાય ઓવરનું જૂનું ઢાંચું તોડી નવો ફ્લાય ઓવર બનાવવા કામ શરૂ કરાયું હતું, પરંતુ આજે સુધી તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. શરૂઆતમાં તેનું કાર્ય માત્ર 18 મહિનામાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પણ આજે ત્રણ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે અને હજુ પણ આશરે 70 ટકા કામ અધૂરું છે.” તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટરોને અનિયમિત રીતે કાર્ય આપવામાં આવ્યું છે અને મળતિયાઓને લાભ પહોંચાડવાના હેતુથી પ્રજાના હિતો અવગણવામાં આવી રહ્યાં છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશીએ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, “સરકારને પ્રજાના પ્રશ્નોથી કોઈ લેવાદેવા નથી. તેમને માત્ર પોતાના મળતિયાઓના હિતમાં કોન્ટ્રાક્ટ આપીને પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે. લોકો ટ્રાફિક જામથી ત્રસ્ત છે, શાળા જતા વિદ્યાર્થીઓ અને રોજગાર માટે જતા નાગરિકોને રોજબરોજ મુશ્કેલી પડે છે, છતાં સરકાર ઉદાસીન બની બેઠી છે.”
માજી પાલિકા વિપક્ષ નેતા ખંડુ પટેલ અને અન્ય કાર્યકરોએ પણ લોકોને પડતી મુશ્કેલીઓ અંગે વેદના વ્યક્ત કરી. તેમણે ચેતવણી આપી કે, “જો તાત્કાલિક કામ શરૂ ન થશે અને સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે પીડબ્લ્યુ કચેરી સામે તાળાબંધી કરી આંદોલન તેજ કરીશું.”
આંદોલનમાં હાજર અન્ય કાર્યકરોએ પણ જણાવ્યું કે, શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સતત વધી રહ્યો છે. વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી લોકોને વધુ મુશ્કેલી થાય છે. ખાસ કરીને શાળાના બાળકો માટે સલામતી અને સમયસર શાળા પહોંચવું એક મોટું પડકાર બની ગયું છે. રોજગાર માટે દૈનિક પ્રવાસ કરતા લોકો માટે પણ મુશ્કેલી વધી ગઈ છે.
કોંગ્રેસે માંગ કરી છે કે કામગીરી માટે સ્પષ્ટ સમયસીમા નક્કી કરીને કામ ઝડપથી પૂરું કરવામાં આવે. ઉપરાંત, કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આગામી સમયમાં આવી સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય. તેમણે સરકારને યાદ અપાવ્યું કે જાહેર સુવિધાઓના વિકાસ માટે જાહેર હિતને પ્રાથમિકતા આપવી જોઈએ.
આંદોલન દરમિયાન કોંગ્રેસે પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવી શહેરની હાલત અંગે રજૂઆત કરી હતી. અધિકારીએ મુદ્દાઓ સાંભળી યોગ્ય કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓ સુધી માહિતી પહોંચાડવાની ખાતરી આપી હતી. જોકે, કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે જો સમયસર કામ શરૂ ન થાય તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે.
વાપી શહેરમાં ફ્લાય ઓવરનું કાર્ય પૂર્ણ ન થવાથી સર્જાયેલી મુશ્કેલીઓ પ્રજાના રોજિંદા જીવન પર ભારે અસર કરી રહી છે. હવે સૌની નજર છે કે સરકાર અને સંબંધિત વિભાગ કેટલા ઝડપથી કામગીરી શરૂ કરીને લોકો માટે રાહત લાવશે.
આ પણ વાંચો
- Doha: કતારની રાજધાની દોહામાં ઇઝરાયલી વિસ્ફોટોથી ગભરાટ ફેલાયો, ગાઝા યુદ્ધવિરામની ચર્ચા કરી રહેલા હમાસ નેતાઓ પર હુમલો
- T20 world cup 2026 ની તારીખ નક્કી! ભારત ફાઇનલનું આયોજન ગુમાવી શકે છે
- Ragini MMS 3: રાગિની એમએમએસ 3′ માંથી નોરા ફતેહી બહાર, હવે એકતા કપૂરની નજર આ અભિનેત્રી પર છે
- Vice president: દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા
- Dewald brevis: ડેવાલ્ડ બ્રેવિસે બધા રેકોર્ડ તોડી નાખ્યા, SA20 લીગની હરાજીમાં આટલી કરોડની બોલી