Vadodara, વાઘોડિયારોડ વિસ્તારમાં એક લેડી ડોક્ટરને નવા વીજ મીટરના રૂપિયા તાત્કાલિક ભરવા પડશે તેમ કહીને આધેડ વયનો એક ગઠિયો રૂ.૨૬ હજાર પડાવીને ફરાર થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે.

Vadodara: ગઠિયાએ ચેક લેવાનો ઈનકાર કર્યો, રૂપિયા લીધા બાદ આધાર કાર્ડ મંગાવ્યું અને અદશ્ય થઈ ગયો

સૂર્યનગર બસસ્ટેન્ડની પાછળ બાલાજી નંદન ફ્લેટ્સ-૨માં રહેતી ડો. નિરાલી સંઘવી ગઈ કાલે સાંજે તેના પિતા ડો.શશિકાન્ત શાહના બીજા મકાને હતી ત્યારે ૫૦ વર્ષની વય ધરાવતો એક ગઠિયો આવ્યો હતો અને જીઇબીમાંથી આવું છું તેવી ઓળખાણ આપી હતી.

ગઠિયાએ કહ્યું હતું કે, હું તમારા પિતાને ઓળખું છું. તેમના મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે અને વીજ મીટર ઉતારવાનું હોવાથી રૂ.૨૬૨૧૦ આપવા પડશે.જેથી નિરાલીએ ચેક આપતાં ગઠિયાએ કેશ ની માંગણી કરી હતી.નિરાલી તેને પોતાને ઘેર લઈ ગઈ હતી અને ત્યાં રૂપિયા ચૂકવ્યા હતા. રૂપિયા મળતાં જ ગઠિયાએ આધાર કાર્ડ માંગ્યું હતું. નિરાલી આધાર કાર્ડ લેવા માટે મકાનમાં ગઇ ત્યારે ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરવા માટે તજવીજ કરવામાં આવી રહી છે