Vadodara શહેરમાં જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન વિશ્વામિત્રી નદીમાં આવેલા કથિત માનવસર્જિત પૂરના કારણે તમામ કાંઠા વિસ્તારના રહેણાંક મકાનો, ઓફિસો, ગોડાઉનો સહિતની સ્થાવર મિલકતોમાં ઠેકઠેકાણે તિરાડો પડી ગઈ છે. આવી ભયગ્રસ્ત સ્થાવર મિલકત ઉપયોગમાં રહેવા લાયક રહી નથી, છતાં જીવના જોખમે ઉપયોગ ચાલુ રહ્યો છે.
Vadodara: વહીવટી તંત્ર કાંઠા વિસ્તારની ક્ષતિગ્રસ્ત મિલકતોનો સર્વે કરાશે
વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીથી કોઈપણ વિસ્તાર બાકાત રહ્યો નથી. બીજી બાજુ નદી કાંઠા વિસ્તારના અનેક કાચા ઝૂંપડા પૂરમાં તણાઇ ગયા છે, પરંતુ પાકા મકાનોને પણ પૂરના પાણીની થપાટો સતત વાગતી રહી હતી. નદીકાંઠાના આવા તમામ પાકા રહેણાંક મકાનો, દુકાનો, ગોડાઉનો કે પછી ઓફિસોમાં નાની-મોટી તિરાડો પડી ગઈ છે. કેટલીક જગ્યાએ પડેલી મોટી તિરાડોના કારણે આવી સ્થાવર મિલકતો હવે રહેવા લાયક પણ રહી નથી તેવી ફરિયાદો મિલકત માલિકો કરી રહ્યા છે. અમુક મિલકતોની દીવાલોમાં પડેલી તિરાડોના કારણે આગળ પાછળ દીવાલમાં બે ભાગ પડી ગયા હોય તેવું જણાય છે.
આ ઉપરાંત સ્લેબમાં પણ તિરાડો પડી જવાના કારણે ટાવર મિલકતનો કેટલોક ભાગ લેવલથી નીચે ઉતરી ગયો છે. વહીવટી તંત્ર આવી કાંઠા વિસ્તારની ક્ષતિગ્રસ્ત સ્થાવર મિલકતો અંગે સર્વે કરાવે તો નુકસાનનો સાચો અંદાજ જાણવા મળી શકશે.