Vadodara: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાતે નશામાં ચૂર કારચાલકે અનેક લોકોને અડફેટે લઈને ફંગોળ્યા હતા. જેમા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. જેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર વડોદરામાં મોડી રાતે કારચાલકે અકસ્માત કર્યો હતો. જેમા એકનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. કારચાલકે એક્ટિવા પર જતા પરિવારને અડફેટે લીધો હતો. 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા છે. કારની સ્પીડ 100થી વધુ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનારો નબીરો નશામાં ધૂત હોવાનું અનુમાન કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ કારમાંથી ઉતરી નશામાં ધૂત નબીરાએ બૂમો પડી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ નબીરાને પકડીને માર માર્યો હતો. પોલીસે નબીરાની ધરપકડ કરી ડ્રિંક અને ડ્રાઈવ અંગે તપાસ આદરી છે.
આ અકસ્માતમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, આરોપી નબીરો મૂળ વારાણસીનો રક્ષિત રવીશ ચૌરસિયા હોવાનું સામે આવ્યું છે.ટ્રાફિકના તમામ કાયદાઓનો ભંગ કરનાર પોતે કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. અકસ્માતની ઘટના એટલી હચમચાવી દે એવી હતી.