રાજ્યમાં અવાર-નવાર કેટલાય ધમકી ભર્યા કોલ, મેસેજ આવતા હોય છે. Vadodaraમાં હાલમાં નવલી નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વાર કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ છે.
વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી તપાસ કરાઈ
મળતી માહિતી અનુસાર, ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી.
આ માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.