Vadodara: જાંબુવા બ્રિજ પાસે બે કારને અકસ્માત કર્યા પછી દારૂ ભરેલી કાર પંક્ચર પડી જતા આરોપી કાર છોડીને ભાગી ગયો હતો. જે અંગે કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara: કારમાંથી ૧.૪૭ લાખનો વિદેશી દારૂ કબજે : ડોક્ટર સહિત બે વ્યક્તિઓની કારને નુકસાન

Vadodara: આજવા રોડ ગોકુલ નગરમાં રહેતા ડોક્ટર ધર્મેશ કુમાર રમણભાઈ પટેલનું આજવા નિમેટા રોડ પર જય અંબે ક્લિનિક છે. આજે સવારે તેઓ કાર લઈને પિતા રમણભાઈને જાંબુવા બ્રિજ નજીક મૂકવા માટે જતા હતા. જાંબુવા બ્રિજ પાસે પાછળથી આવતી એક કારના ચાલકે ડોક્ટરની કારને અથાડી હતી. `જેથી ડોક્ટરની કારના ડાબી બાજુના બંને દરવાજા તથા કારને નુકસાન થયું હતું. આ કાર ચાલકે અન્ય એક કારને પણ અકસ્માત કર્યો હતો.

અકસ્માત કરીને કાર ચાલક સ્થળ પર કાર છોડીને ભાગી ગયો હતો. ડોક્ટરે નીચે ઉતરીને જોતા કારમાં વિદેશી દારૂનો જથ્થો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર આવીને કાર કબજે કરી હતી. ડોક્ટરની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે કારમાંથી દારૂ મળી આવતા પોલીસે અલગથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. કારમાંથી વિદેશી દારૂની ૧,૨૦૨ બોટલ કિંમત રૂપિયા ૧.૪૭ લાખની મળી આવી હતી.