Vadodara: છ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી યુવક પર તેના જ મિત્રોએ ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara: છ મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી યુવકને મારી નાંખવાની કોશિશ

ઈલોરાપાર્ક મિલ્ક સેન્ટરની પાછળ રહેતો ૨૨ વર્ષનો અંકિત ભરતભાઈ ત્યાગી મૂળ સુરેન્દ્રનગરનો વતની છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું છેલ્લા ૧૫ દિવસથી એકલો રહું છું. બે દિવસ પહેલા મારા ફોઈનો દીકરો રવિ ત્યાગી ત્યાં આવ્યો છે.

ગત તા. ૬ ઠ્ઠી એ રાતે નવ વાગ્યે હું દૂધ લેવા માટે ઘરેથી ચાલતો નીકળ્યો હતો. ઈલોરાપાર્કથી દૂધ લઈને હું પરત ઘરે આવતો હતો. તે સમયે પાછળથી કોઈ હુમલાખોરે તિક્ષ્ણ હથિયાર મને મારી દેતા હું જમીન પર પડી ગયો હતો. મેં પાછળ ફરીને જોયું તો મારો મિત્ર હિતેશ ગોહિલ હાથમાં ધારદાર ચપ્પુ લઈને ઉભો હતો. તેની સાથે મારા બીજા મિત્રો પાવન સોની, મનોજ યશભાઈ પરમાર, તથા અજય પંડયા પણ હાથમાં ચપ્પુ લઈને ઉભા હતા.

તેઓએ ચપ્પુ વડે હુમલો કરી મને માથા, ગળા, પેટ તથા પીઠના ભાગે ઘા ઝીંકી દીધા હતા. મેં બચવા માટે બૂમાબૂમ કરતા રસ્તે જતા રાહદરીઓ ભેગા થઇ ગયા હતા. મારા પર હુમલો કરનાર મારા મિત્રો વાદળી કલરની ગાડી લઈને ભાગી ગયા હતા. મારો પિતરાઈ ભાઈ રવિ ત્યાગીને ફોન કરતા તે થોડાસમયમાં આવી ગતો હતો. તે મને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. હિતેશ ગોહિલ સાથે છ મહિના પહેલા બોલાચાલી થઈ હતી. તેના કારણે મારા પર હુમલો કર્યો હોવાની મને શંકા છે.