Vadodara, શુક્રવાર નવરાત્રિ દરમિયાન મોજશોખ પૂરા કરવા માટે ટુ વ્હીલર વાહનોની ચોરી કરતા આરોપીને માંજલપુર પોલીસે રંગેહાથે ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી ૧૦ વાહનો કબજે કર્યા છે.

Vadodara: માંજલપુર ગરબા ગ્રાઉન્ડ પાસે બાઈક ચોરી કરવાની કોશિશ કરતો હતો

માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કલ્યાણબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગમાં પડેલી બાઈકનું સ્ટિયરિંગ એક શખ્સ હલાવતો હતો. તેની વર્તણૂંક શંકાસ્પદ લાગતા પોલીસે તેને પકડી પૂછપરછ કરતા તેનું નામ વિજય રણજીતભાઈ પઢિયાર (રહે. જાસપુરા ગામ, તા.પાદરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે માંજલપુર અલવા નાકા પાસેથી બાઈકની ચોરી કરી હતી. છેલ્લા છ મહિનામાં તેણે શહેરના અલગ – અલગ સ્થળેથી ૧૦ વાહનોની ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી ૧૦ વાહનો | કિંમત રૂપિયા ૪.૩૦ લાખના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ધો.૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી કામમાં ઓછું મહેનતાણુ મળતું હોઈ મોજશોખ પૂરા કરવા તેણે વાહનોની ચોરી શરૂ કરી હતી. આરોપી અગાઉ એન.ડી.પી. એસ. અને ચોરીના ગુનામાં પકડાયો છે.