Vadodara એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન હંમેશા વિદ્યાર્થીઓની ચહલ પહલથી ધમધમતી હોય છે અને આ જ કેન્ટીન છાશવારે મારામારી માટે પણ કુખ્યાત છે.

બે વર્ષથી વિજિલન્સ સ્ક્વોડ અસ્તિત્વમાં નહીં હોવાથી અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે

Vadodara: આજે પણ નજીવા મુદ્દે બે જૂથ વચ્ચે ઝપાઝપી થતા દોડધામ મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે એક વિદ્યાર્થીની સાથે અન્ય જૂથના ચાર વિદ્યાર્થીઓની બોલાચાલી થઈ હતી અને એ પછી ચાર વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ ગુંડાગર્દીનુ પ્રદર્શન કર્યું હતું.કેન્ટીનમાં વિદ્યાર્થીઓની ખાસી એવી સંખ્યા હતી.આ ઘટનાના પગલે ઉહાપોહ થયા બાદ યુનિવર્સિટીની સિક્યુરિટી દોડી આવતી હતી અને તેના કારણે સ્થિતિ વણસતા અટકી હતી.

જોકે આજની ઘટનાએ કેમ્પસની સુરક્ષાને લઈને ફરી ચિંતા ઉભી કરી છે. અગાઉ આર્ટસ સ ફેકલ્ટીમાં અસામાજિક તત્વોની અવર જવર રહેતી હોવાથી વિજિલન્સ સ્કવોડની રચના સત્તાધીશોએ કરી હતી.

વિજિલન્સ સ્ક્વોડની એક ટીમને આર્ટસ ફેકલ્ટી ખાતે જ તૈનાત કરી રખાતી હતી પણ છેલ્લા બે વર્ષથી વિજિલન્સ સ્કવોડ વિખેરી કાઢવામાં આવી છે અને આર્ટસ ફેકલ્ટી ખાતે સુરક્ષા વ્યવસ્થાના નામે મીંડુ જોવા મળી રહ્યું હોવાથી અસામાજિક તત્વો ફરી પેધા પડી રહ્યા છે.