Surendranagar સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા અનુ.જાતિના અતિપછાત એવા વાલ્મીકી સમાજના ૬૦ જેટલા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર નોકરીમાંથી છુટ્ટા કરી દેતા છેલ્લા ૧૫ દિવસથી પડતર માંગોને લઈ પાલિકા કચેરી ખાતે પ્રતિક ધરણા પર બેઠા છે તેમ છતાંય કોઈ જ ઉકેલ ન આવતાં સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખના ઘરે જઈ હોબાળો કરતા દોડધામ મચી જવા પામી હતી.

છેલ્લા ૧૫ દિવસથી પડતર પ્રશ્નો ઉકેલવા પ્રતિક ધરણાં છતાં ઉકેલ નહીં આવતા રોષ

Surendranagar: આ અંગે મળતી માહિતી મુજબ પાલિકામાં કાયમી, રોજમદાર તેમજ કોન્ટ્રાક્ટબેઈઝ સહિત અંદાજે ૨૫૦થી વધુ અનુ.જાતિના સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યાં છે જે પૈકી તાજેતરમાં પાલિકા તંત્ર દ્વારા ૬૦ જેટલા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને કોઈપણ જાતની જાણ કે નોટીસ વગર નોકરીમાંથી છુટ્ટા કરી દેવામાં આવતા હાલાકી પડી રહી છે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર પણ ચુકવવામાં આવ્યો નથી.

જે અંગે રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં છેલ્લા ૧૫ દિવસથી રોજમદાર સફાઈ કામદારો પાલિકા કચેરીના પટાંગણમાં કાયમી કરવા, પગાર વધારો અને બાકીનો પગાર ચુકવવાની માંગ સાથે પ્રતિક ધરણા પર બેઠા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ ન આવતાં દિવાળીને દિવસે રોષે ભરાયેલ સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખના ઘરે જઈ હોબાળો મચાવ્યો હતો અને પડતર માંગો પુરી કરવાની માંગ કરી હતી.