ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સતત પાંચ દિવસ વરસાદ પડ્યો અને આજે પણ વરસાદની આગાહી છે. ગુરુવારે મોરબીના ટંકારામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો જ્યારે કચ્છમાં તો કરા પડ્યા. દક્ષિણ ગુજરાતના ડાંગમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો.
કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડ્યા તો શાળાના મકાનને પણ નુકસાન પોંહચાડ્યુ. માવઠાથી થયેલાં નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા લોકો માંગણી કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ચાર દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી રહી છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના શિવારીમાળ ગામમાં ભારે પવન ના કારણે આદિવાસી પરિવારના ૧૦૦ થી વધુના ઘરોના પતરા ઉડી જતાં ભારે નુકસાન થયું છે.. જ્યારે અમુક ઘરો ભારે વાવાઝોડાને કારણે ધ્વસ્ત થઈ જતાં ગરીબ આદિવાસી પરિવારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો.
ગરીબ આદિવાસી પરિવાર બે ઘર બની જતાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે ડાંગના ભેંસકાત્રી, ચિચોંડ, શિવારીમાળ, સોનગીર, સાકરપાતળ, નાનાપાડા, ટેકપાડા સહિત અનેક ગામોમાં ભારે પવને આદિવાસી પરિવારોના ઘરોને નુકસાન પહોંચાડયું. ડાંગના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંત દેશમુખે વિડિઓ વાયરલ કરી દાતાઓને આદિવાસી પરિવારોને મદદ કરવા જણાવ્યું છે.
બનાસકાંઠાના પાલનપુરના ધાણધા ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતો પોતાના ખેતરમાં શેડ બચાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વરસાદને પગલે પપૈયાના પાકને નુકસાન થયું છે.
રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ ,મહેસાણા ,દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.