અમદાવાદ. અમદાવાદ ગ્રામ્ય SOG એ સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ)ની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં બાતમીના આધારે એક ડમી ગ્રાહક દ્વારા ડિકોય ગોઠવી બે શખ્સોને રૂ. ૨.૯૭ કરોડના એમ્બરગ્રીસ સાથે સાણંદથી ઝડપી પાડયા છે. જ્યારે વોન્ટેડ આરોપીએ બંનેને વેચવા માટે મોકલ્યા હતા અને બંને કમિશન લેવાના હતા.
સાણંદમાં ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બે શખ્સો સ્પર્મ વ્હેલની વોમિટ વેચવા ફરી રહ્યા છે. તેના આધારે પોલીસે વોચ ગોઠવીને ભાવનગરના યોગેશ મકવાણા અને અમદાવાદના પીન્ટુ પટેલને ૨.૯૭૬ કિલો એમ્બરગ્રીસ સાથે સાણંદથી ધરપકડ કરી છે.

બંનેની પૂછપરછ કરતા ભાવનગરનો વોન્ટેડ આરોપી ભરત સરવૈયા દ્વારા પકડાયેલા બન્ને આરોપીને સ્પર્મ વ્હેલની વોમિટ વેચવા માટે આપી હતી અને તેમને કમિશન આપવાનો હતો.
આરોપી દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બરગ્રિસ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં એમ્બરગ્રીસ ચકાસણી કરવા FSL મોકલી કોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરીછે. જ્યારે આરોપીઓ પણ એમ્બરગ્રીસ વેચવા માટે અન્ય કોઈને ફિરાકમાં હતા. જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વોન્ટેડ આરોપી પકડવા માટે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે સ્પર્મ વ્હેલની એમ્બર ગ્રીસનો ઉપયોગ પરફ્યુમ સહિતની વસ્તુઓમાં થાય છે. તેના કારણે તેની કિંમત ઘણી ઉંચી આંકવામાં આવે છે. ખાસ કરીને દરિયાકાંઠાના શહેરોમાં તેનો ગેરકાયદે ધંધો ફુલ્યોફાલ્યો છે.