સુરત. ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક છેતરપિંડી અને જાલસાજીના કેસમાં ફરાર બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ વેચવાના રેકેટમાં સામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, માર્ચ 2024માં નોંધાયેલા આ કેસમાં આરોપીઓએ ષડયંત્ર રચીને નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને તેને અસલી તરીકે રજૂ કરી વિવિધ ગ્રાહકોને વેચ્યા હતા. આનાથી આર્થિક લાભ મેળવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસની તપાસ ડીસીબી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે વરાછા રોડ પર આવેલા પોદ્દાર આર્કેડ નજીકથી ફરાર આરોપીઓ બીની વિનોદભાઈ તાલા (28, રહે. કાપોદ્રા) અને વૈભવ અશ્વિનભાઈ તાલા (22, રહે. સરથાણા)ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં 22 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપી બીની તાલા સરથાણાના વેસ્ટન પ્લાઝામાં આરંભ એજ્યુકેશન નામે વીઝા સર્વિસનો વ્યવસાય ચલાવતો હતો. તેણે સહ-આરોપી વૈભવ તાલા સાથે મળીને વિવિધ વિદ્યાર્થીઓની બોર્ડ અને યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ તૈયાર કરાવી હતી અને ફેનિલ વેડિયા નામના વ્યક્તિ દ્વારા તેને વેચી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ડુપ્લિકેટ માર્કશીટ કોની પાસે અને ક્યાંથી તૈયાર કરાવવામાં આવતી હતી.