Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ Isudan Gadhviએ આદિવાસી સમાજની સમસ્યાઓ મુદ્દે એક વીડિયોના માધ્યમથી ભાજપ સરકાર પર તીવ્ર પ્રહાર કરી જણાવ્યું કે ભાજપ સરકાર આદિવાસી દિવસની ઉજવણી તો કરે છે, પરંતુ છેલ્લા 75 વર્ષમાં આદિવાસી સમાજનું શોષણ કર્યું છે અને આદિવાસી સમાજના વિકાસ માટે કોઈ કાર્ય કર્યું નથી. ભાજપના 30 વર્ષ અને કોંગ્રેસના 30 વર્ષના શાસનમાં આદિવાસી વિસ્તારોની પરિસ્થિતિ યથાવત રહી છે અને આદિવાસી સમાજનો અને આદિવાસી વિસ્તારોનો કોઈ વિકાસ થયો નથી. આજે પણ ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે અને આદિવાસી વિસ્તારોમાં 2,000થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. આશરે 400 જેટલી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, અને આઝાદીના અનેક દાયકાઓ પછી પણ અનેક આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાઓનો અભાવ છે. ઘણી વખત મૃતદેહો અને બીમાર લોકોને ઝોળીમાં નાખીને અનેક કિલોમીટર સુધી પગપાળા લઈ જવું પડે છે. જળ, જંગલ અને જમીનથી વંચિત આદિવાસી સમાજ આજે પણ ગંભીર મુશ્કેલીઓ વચ્ચે જીવી રહ્યો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ Isudan Gadhviએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર આદિવાસી લોકોને 100 દિવસની રોજગારીની ગેરંટી પણ આપતી નથી અને મનરેગામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ભાજપના નેતાઓ આદિવાસી સમાજના રૂપિયા ખાઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના મુદ્દાઓ ઉઠાવ્યા, ત્યારે ભાજપ સરકારે તેમના પર ખોટો કેસ કરી જેલમાં નાખી દીધા. દિવસો સુધી તેમને જેલમાં રાખીને તેમને ડરાવવામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજનો અવાજ રૂંધાઇ જાય તેવી પ્રવૃત્તિ ભાજપ સરકારે શરૂ કરી છે તે ખૂબ જ પીડાદાયક છે. ભાજપ સરકાર અંગ્રેજો કરતા પણ વધુ ખરાબ છે અને આવનારા સમયમાં આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે.