Dharmesh Bhanderi AAP: SIR પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘીને આવેદન પત્ર આપ્યું હતુ. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી S.I.R. (Special Intensive Revision) પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં મતદારોને અયોગ્ય રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. આ મુદ્દે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ અમુક લોકો રાજકીય હેતુસર ફોર્મ નંબર–7 ભરીને અનેક નિર્દોષ મતદારોના નામ તેમની જાણ બહાર મતદારયાદીમાંથી રદ્દ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ઘાતક છે. મતદારની ઉંમર અને તેમના માતા-પિતાની ઉંમર વચ્ચે તફાવત હોવાનું કારણ દર્શાવી વારંવાર “લોજીકલી” નોટિસ પાઠવી મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે. સરકારી દસ્તાવેજીય પુરાવા રજૂ કર્યા છતાં આવી નોટિસો મોકલવી સંપૂર્ણપણે અયોગ્ય છે અને સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પંચ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. અમારી સ્પષ્ટ માંગ છે કે ફોર્મ નંબર–7 મુજબ નામ રદ્દ કરવાની કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત મતદારને ઓછામાં ઓછા ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવે, તેમના ઘરે જઈ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે.

સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયાની જાણ તમામ રાજકીય પક્ષના BLA-1 અને BLA-2 ને ફરજિયાત આપવામાં આવે. આ ઉપરાંત, મતદાર જે સોસાયટીમાં રહે છે ત્યાંના ઓછામાં ઓછા પાંચ રહેવાસીઓની સહી સાથે પંચનામું કર્યા બાદ જ નામ રદ્દ કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવે. કોઈ પણ મતદારનું નામ તેની જાણ બહાર ખોટી રીતે રદ્દ કરવું એ Representation of the People Act, 1950 તથા ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓનો ગંભીર ભંગ છે. અમે ચૂંટણી તંત્રને માંગ કરીએ છીએ કે ગેરઇરાદાપૂર્વક ફોર્મ નંબર–7 ભરી મતદારોના નામ ઉડાડવાના પ્રયાસ કરનાર તત્ત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો રાજકીય દબાણ હેઠળ કોઈપણ મતદારના નામ ખોટી રીતે રદ્દ કરવામાં આવશે તો તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. લોકશાહીના પાયા સમાન મતાધિકારની રક્ષા કરવા ચૂંટણી તંત્ર પોતાની નૈતિક અને સંવિધાનિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે એવી અમારી દ્રઢ માંગ અને અપેક્ષા છે.
આ આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી,સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી સાથે વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, પ્રદેશ મંત્રી મથુર બલદાણીયા સહિત પ્રદેશ અને શહેર સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.





