વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગના હબ એવા મોરબી શહેર અને સીરામીક ક્લસ્ટર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા કાયમી બની છે ત્યારે હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં ટ્રાફિક જામમાં ફસાતા લોકો ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બન્યા છે, શહેરમાં પાર્કિંગ સમસ્યા અને સીરામીક ક્લસ્ટરમાં બની રહેલા રોડને કારણે આ સમસ્યા વકરી હોવાનું સામે આવ્યું છે.
સીરામીક ક્લસ્ટર મોરબીના જેતપર-પીપળી રોડ, હળવદ – મોરબી રોડ અને નેશનલ હાઇવે ઉપર તેમજ મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ઓવરબ્રિજને કારણે હાલમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝ તરફ જતા તમામ માર્ગો ઉપર ટ્રાફિક જામ થવાની સમસ્યા લોકો માટે માથાના દુખાવા રૂપ બની છે, મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ હરેશભાઇ બોપલિયા જણાવે છે કે, પોલીસને કરેલી રજુઆત મુજબ હાલમાં પીપળી રોડ અને રફાળેશ્વર નજીક વધારાની ચોકી ચાલુ કરીને ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલમાં નવા બની રહેલા રોડને કારણે આ સમસ્યા વકરી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
મોરબી -વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સરતાનપર રોડ તરફ જવાના જંક્શને હાઇવે ઓથોરિટી દ્વારા ડિવાઈડર તોડી રસ્તો કાઢવામાં આવતા સરતાનપર રોડની ટ્રાફિક સમસ્યા હલ થઇ છે, પરંતુ ખાસ કરીને સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં લોડિંગ-અનલોડીંગ માટે આવતા મોટા ટ્રક જયારે હાઇવે ઉપર ટર્ન લેતા હોય છે ત્યારે અણસમજુ વાહન ચાલકોની ઉતાવળને કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાનું ઉદ્યોગકારો જ જણાવી રહ્યા છે.
મોરબી જિલ્લા ટ્રાફીક શાખાના પીઆઇ કે.એમ.છાસિયાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હાલમાં ફોરલેન રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યા રહે છે, જો કે, નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરી ખાસ કરીને રોન્ગ સાઈડમાં વાહન ન ચલાવે તો મહદઅંશે ટ્રાફિક સમસ્યા હળવી બની જાય તેમ છે. ખાસ કરીને સીટી વિસ્તારમાં સાંકળા રસ્તોઓ ઉપર લોકો જ્યાં ત્યાં પાર્કિંગ કરવાને બદલે વ્યવસ્થિત વાહન પાર્કિંગ કરવાની સાથે, મોરબી શહેરમાં એકી, બેકી નિયમ મુજબ વાહન પાર્કિંગ કરે અને ટ્રાફિક નિયમોનું સભાનતાથી પાલન કરે તે આવશ્યક હોવાનું જણાવ્યું હતું.