જામનગર લોકસભા બેઠક પર તા.7 મે ના રોજ યોજવામાં આવેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ છે. 12-જામનગર લોકસભા બેઠક પર કુલ 57.67% મતદાન નોંધાયું છે. દિવસભરનું જોવામાં આવે તો સવારે 7:00 થી 9:00 દરમિયાન 8.88%, 7:00 થી 11:00 દરમિયાન 20.85%, 7:00 થી 1:00 દરમિયાન 34.62%, 7:00 થી 3:00 વાગ્યા દરમિયાન 42.52%, 7:00 થી 5:00 દરમિયાન 52.36% મતદાન નોંધાયું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે 0.23 % BU, 114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.
તા. 7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 3 એલર્ટ્સ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ્સ હતી. c-VIGILના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. National Grievance Service Portal માધ્યમથી મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે.