Raju Karpada AAP: ચોર ખાય મોર ખાય રોજ ભૂંડ અને ઉંદર ખાય વધ્યું ઘટ્યું વેચવા બોટાદ યાર્ડમાં જાય ત્યાં ફરી કળદો થાય” આ વાક્યના માધ્યમથી આમ આદમી પાર્ટી(AAP)ના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા Raju Karpadaએ બોટાદ માર્કેટ યાર્ડમાં ચાલી રહેલા કળદાનો શખ્ત શબ્દોમાં વિરોધ કરતા જણાવ્યું હતું કે, બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને તમામ જગ્યાએ લૂંટાવાનું છે, કસાઈ ની માફક અમુક વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. બોટાદ માર્કેટ યાર્ડને લૂંટવામાં ત્યાંના સત્તાધીશોએ કોઈ જ કમી નથી રાખી અને બોટાદમાં આવતા ખેડૂતોને લૂંટવાનું કામ પણ સત્તાધીશોની રહેમ નજર હેઠળ તેના વેપારીઓ અને અમુક દલાલો કરી રહ્યા છે. આ કળદાનો વિરોધ કરવા માટે આવતી કાલે હું મારી ટીમને સાથે લઈ સવારે 9:00 વાગે મૂડીથી નીકળીશું. સુદામડા થી મયુરભાઈ સાકરીયા પણ અમારી સાથે જોડાવાના છે. 10:30 વાગ્યે અમે બોટાદ માર્કેટ યાર્ડ ખાતે પહોંચીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે જે બંધારણીય અધિકાર મળ્યો છે એ અધિકારનો ઉપયોગ કરી અને જે ખેડૂતોનું શોષણ થાય છે કળદાના બહાના હેઠળ એ શોષણ કાયમી બંધ થાય એની અમે રજૂઆત કરીશું.

ખેડૂત નેતા Raju Karpadaએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જે જણસ આવે છે એને 10 થી 15 કિલોમીટર દૂર વેપારી પોતાના જીન પર ખેડૂતોને પોતાના ખર્ચે નાખવા મોકલે છે અને વેપારી ભાડું પણ ચૂકવતા નથી અને જીન જગ્યા પર જ્યારે ખેડૂત જાય ત્યારે એમને દબાવવામાં આવે છે ત્યાં ક્વોલિટીના બહાના હેઠળ કળદો કરવામાં આવે છે. દલાલ અને પોલીસ ક્યાંક ને ક્યાંક વેપારીની તરફેણ કરે છે. જીનની જગ્યા ઉપર એકલો ગયેલ ખેડૂત આ બધાની સામે અવાજ ઉઠાવી શકતો નથી એટલે કાયમી ધોરણે કળદો બંધ થાય એવી અમારી માંગ છે. બીજી અમારી માંગણી છે કે ખેડૂતનો માલ યાર્ડમાં જ ખાલી કરવામાં આવે ખેડૂત પોતાના ખર્ચે યાર્ડની બહાર કપાસ નાખવા માટે નહીં જાય અને જો કપાસ નાખવા માટે ખેડૂતને જવાનું હોય તો તમામ ખર્ચ વેપારી ચૂકવશે. હું તમને બધાને પણ આવતીકાલે અમારી સાથે જોડાવા માટે અપીલ કરું છું. આવતીકાલનો દિવસ બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોને એમની ઓકાતનું ભાન કરાવવાનો દિવસ છે, કાયમી કળદો બંધ કરાવવાનો દિવસ છે અને ખેડૂતોની લૂંટ થતી અટકાવવાનો દિવસ છે.