સુરત: દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સિઝનમાં ત્રણ જોડી તહેવાર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આમાં બાંદ્રા ટર્મિનસ-અયોધ્યા કેન્ટ, બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા જંક્શન અને ઉધના-જયનગર ટ્રેનોનો સમાવેશ થાય છે. રેલવેએ જણાવ્યું કે ઉધના-જયનગર સ્પેશિયલનું બુકિંગ 28 સપ્ટેમ્બરથી, જ્યારે બાંદ્રા-અયોધ્યા અને બાંદ્રા-લુધિયાણા ટ્રેનોનું બુકિંગ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. 

બાંદ્રા ટર્મિનસ-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ 

ટ્રેન નંબર (09095/09096) બાંદ્રા ટર્મિનસ-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક સ્પેશિયલ 1 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી દોડશે. બાંદ્રાથી દર બુધવારે સવારે 11 વાગે ઉપડીને આ ટ્રેન બીજા દિવસે સાંજે 5:30 વાગે અયોધ્યા પહોંચશે. પરત ફેરામાં આ ટ્રેન અયોધ્યાથી ગુરુવારે રાત્રે 9 વાગે ઉપડશે અને શનિવારે સવારે 6 વાગે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન સુરત સહિત માર્ગના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. તેમાં એસી-3 ટાયર, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન સુરત થઈને દોડશે. 

બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા સ્પેશિયલ:

ટ્રેન નંબર (09097/09098) બાંદ્રા-લુધિયાણા જંક્શન સાપ્તાહિક સ્પેશિયલ 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે. બાંદ્રાથી રવિવારે રાત્રે 9:50 વાગે ઉપડીને આ ટ્રેન મંગળવારે રાત્રે 12:30 વાગે લુધિયાણા પહોંચશે. પરત ફેરામાં લુધિયાણાથી મંગળવારે સવારે 4 વાગે ઉપડીને બુધવારે સવારે 10:20 વાગે બાંદ્રા પહોંચશે. સુરત, વડોદરા, કોટા, નવી દિલ્હી સહિત અનેક સ્ટેશનો પર તેનો ઉભો રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર અને ઇકોનોમી કોચ હશે. 

ઉધના-જયનગર સ્પેશિયલ:

ટ્રેન નંબર (09151/09152) ઉધના-જયનગર સ્પેશિયલ માત્ર બે ફેરા માટે દોડશે. 30 સપ્ટેમ્બરે ઉધનાથી સવારે 6:45 વાગે ઉપડીને આ ટ્રેન બીજા દિવસે રાત્રે 9:30 વાગે જયનગર પહોંચશે. પરત ફેરામાં 1 ઓક્ટોબરે રાત્રે 11 વાગે જયનગરથી ઉપડીને 3 ઓક્ટોબરે સાંજે 5:45 વાગે ઉધના પહોંચશે. તેમાં સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.