Gujaratના એક એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઈટમાંથી બોમ્બની ધમકી ધરાવતો પત્ર મળ્યો હતો. પત્ર મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને ફ્લાઈટની ચારે બાજુથી શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. અધિકારીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી જેદ્દાહ-અમદાવાદ ફ્લાઈટમાં હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલે જણાવ્યું હતું કે સીટની નીચેથી ધમકીનો પત્ર મળ્યા બાદ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સુરક્ષા એજન્સીઓએ વિમાનની શોધખોળ કરી હતી.

તેમણે કહ્યું “જેદ્દાહથી મુસાફરોને લઈને જતું વિમાન સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. બધા મુસાફરો નીચે ઉતર્યા પછી સફાઈ કર્મચારીઓને એક ચિઠ્ઠી મળી જેમાં વિમાનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસે સુરક્ષા એજન્સીઓ સાથે મળીને તપાસ શરૂ કરી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ તેમનામાંથી કોઈનો હાથ છે કે કેમ તે જાણવા માટે મુસાફરોના ફિંગરપ્રિન્ટ્સ અને હસ્તાક્ષર સાથે મેચ કરવા ફોરેન્સિક નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “અમે દરેક મુસાફરની ફિંગરપ્રિન્ટ અને હસ્તાક્ષર તપાસીશું. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.”