AAP On Pahalgam terrorist Attack: કાશ્મીરના પહલગામ ખાતે ત્રણ ગુજરાતી પર્યટકો સહીત અનેક લોકોના આતંકવાદી હુમલામાં મૃત્યું થયા હતાં, જેના પરિણામ સ્વરૂપ આજે સુરત ખાતે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વરાછા રોડ ખાતે બરોડા પ્રિસ્ટેજથી કાપોદ્રા ખાતે રેલમાં વિશાળ માત્રામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને કેન્ડલ માર્ચ કાઢી હતી.

આ બાબતે આમ આદમી પાર્ટી (AAP) પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુકે જણાવ્યું હતું કે પહેલગામ ખાતે આતંકવાદી હુમલાનો ભોગ બનેલ સૌને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનોને આમ આદમી પાર્ટી સાંત્વના પાઠવે છે. આ દુઃખની ઘડીમાં આમ આદમી પાર્ટી મૃતકોના પરિવારની સાથે ખડેપગે ઉભી છે. આવા આતંકી કૃત્યો કરનાર કોઈ પણ હોય, તેને પકડી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે.

આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. ભારતમાં ઘુસીને આપણા નાગરિકોનો જીવ લેનાર કોઈને પણ છોડવા ન જોઈએ. સરકારને અપીલ કરીએ છીએ કે નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર આવા જે કોઈ તત્વો હોય તેને પકડી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ તેવી અમારી માંગ છે.

‘AAP’ સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણીએ પણ પોતાના એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આતંકવાદનો સફાયો કરવામાં અમે સરકારની સાથે છીએ. આવા કૃત્યો કરનાર સામે સરકાર જે કોઈ આકરા પગલાં લેશે તેને અમે સમર્થન આપીશું. રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ આતંકી હુમલો ગૃહમંત્રાલયની ખામી દર્શાવે છે. દેશના ગૃહમંત્રીને નાગરિકોના રક્ષણ કરતા વધારે વિપક્ષને કેવીરીતે ડરાવવા ધમકાવવા, કઈ રીતે વિપક્ષના સાંસદો ધારાસભ્યોને ખરીદવા એ બધામાં જ રસ છે. ગૃહ મંત્રીની પણ સરેઆમ નિષ્ફળતાને લીધે નિર્દોષોના ભોગ લેવાયા તેવું સ્પષ્ટ શબ્દોમાં રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું.